![]()
માલધારીઓની મક્કમતા સામે તંત્રના ધમપછાડા નિષ્ફળ 32 કલાક સુધી ઈન્કાર કરતી પોલીસને અચાનક રાત્રિના અઢી વાગ્યે ફરિયાદ લેવાનું જ્ઞાન લાદ્યું
જૂનાગઢ, : ગીર જંગલના જાંબુથાળાના માલધારીએ ઝેરી દવા પી આપઘાત કર્યા મુદ્દે અંતે વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ સામે મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ થયો છે. 32 કલાક સુધી મૃતદેહ ન સ્વીકારવાની વાત પર મૃતકના સ્વજનો મક્કમ રહેતા ગત મોડી રાત્રીના પોલીસે ફરિયાદ લેવી પડી છે. મેંદરડા રેન્જના આરએફઓ જયરાજ વાળા, ફોરેસ્ટ રવિ કાકડીયા, ગાર્ડ ભરત રબારી સામે વિસાવદર પોલીસમાં માલધારીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાતા પરિવારજનોએ મૃતદેહ સંભાળી તેની અંતિમક્રિયા કરી નાખી છે.
ડેડકડી (મેંદરડા) રેન્જ હેઠળના જાંબુથાળાના સલીમભાઈ બ્લોચ અને હનીફભાઈ બ્લોચે વિસાવદર એસીએફની કચેરીમાં ઝેરી દવા પીધા બાદ સલીમભાઈનું મોત થયું હતું. સલીમભાઈના સ્વજનોની માંગ હતી કે, વન વિભાગના જવાબદારો સામે કાર્યવાહી થાય પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો. આમ, ગત રાત્રીના 2 વાગ્યા આસપાસ વિસાવદર પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ફરિયાદ લેવા માટે સિવીલ હોસ્પિટલે પહોંચ્યો હતો. ત્યારબાદ મૃતક સલીમભાઈના પુત્ર સલમાનભાઈએ પોલીસને ફરિયાદ આપી છે. તેમાં જણાવાયું હતું કે મેંદરડા રેન્જના આરએફઓ જયરાજ વાળા, જાંબુથાળા રાઉન્ડના ફોરેસ્ટ રવિ કાકડીયા અને ગાર્ડ ભરત રબારી અવાર-નવાર મૃતક સલીમભાઈને ઘર ખાલી કરવા માટે તથા સ્થળાંતર કરવા અંગેની નોટિસ આપી ત્રાસ, ધમકી આપતા હોવાથી સલીમભાઈએ તથા તેના પિતરાઈ ભાઈ હનીફભાઈએ ઝેરી દવા પીધી હતી. આ બંનેમાંથી સલીમભાઈનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ ત્રણેય આરોપીઓએ તથા તપાસમાં જે ખુલે તે તમામે સલીમભાઈને મરવા મજબુર કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાનું વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએસએન કલમ 108, 54 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાત્રીના અઢી વાગ્યે શરૂ કરેલી ફરિયાદ લેવાની પ્રક્રિયા 5 વાગ્યા સુધી ચાલી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ સલીમભાઈનો મૃતદેહ સ્વીકારી જાંબુથાળા લઈ જવા રવાના થયા હતા. સાડા અગીયાર વાગ્યા આસપાસ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
ACFને બચાવવા ઉચ્ચ અધિકારીઓને સફળતા મળી
ઝેરી દવા પીવા મામલે ગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ અને એસીએફ સામે આક્ષેપો થઈ રહ્યા હતા. આ ચારેય સામે ફરિયાદ દાખલ કરવા રજુઆત હતી. અંતે એસીએફની સામે હાલ પુરતી ફરિયાદ થઈ નથી. વિસાવદર એસીએફ ડાયરેક્ટ આઈએફએસ છે અને હાલમાં તેઓનો એસીએફ તરીકેનો પ્રોબેશન પિરીયડ ચાલી રહ્યો છે. એસીએફનું ફરિયાદમાં નામ ન આવે તે માટે ઉચ્ચ અધિકારીઓએ ખુબ લોબીંગ કર્યું હોવાનું ચર્ચાય છે. અંતે એ કથિત પ્રયાસમાં અધિકારીઓને સફળતા મળી છે.










