![]()
Lion Dies in Open Well in Amreli: એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના અકાળે મોતે વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. લીલીયા તાલુકાના કણકોટ ગામે એક ખુલ્લા કૂવામાં પડી જવાથી અંદાજે બે થી અઢી વર્ષના સિંહનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સિંહના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
મળતી માહિતી અનુસાર,લીલીયાના કણકોટ ગામના વાડી વિસ્તારમાં સિંહ વિચરણ કરી રહ્યો હતો, આ દરમિયાન અંધારામાં અથવા શિકારની પાછળ દોડતી વખતે સિંહ ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો. કૂવામાં પાણી હોવાને કારણે ડૂબી જવાથી સિંહેનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિંહના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી, પોસ્ટમોર્ટમ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદના જમાલપુરમાં શરમજનક ઘટના, નમાઝ પઢવા ગયેલા 7 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
વારંવાર બનતી ઘટનાઓથી વન્યજીવ પ્રેમીઓમાં નારાજગી
લીલીયા પંથકમાં વન્ય પ્રાણીઓના મોતની આ પહેલી ઘટના નથી. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે, તાજેતરમાં જ આ વિસ્તારમાં એક માદા સિંહણનું ઈલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયું હતું. ટૂંકા ગાળામાં કણકોટ ગામમાં સિંહના મોતની આ બીજી ઘટના છે. નોંધનીય છે કે, વાડી વિસ્તારોમાં રક્ષણાત્મક જાળી વગરના ખુલ્લા કૂવાઓ સિંહો માટે ‘ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહ્યા છે.
વન્યજીવ પ્રેમીઓની માંગ
ગામના ખેડૂતો અને વન્યજીવ પ્રેમીઓએ આક્ષેપ કરી રહ્યા છે કે વનવિભાગ દ્વારા ખુલ્લા કૂવાઓને જાળીથી ઢાંકવાની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું લાગે છે. સરકાર અને વનવિભાગ સત્વરે તપાસ હાથ ધરી આ વિસ્તારના તમામ ખુલ્લા કૂવાઓને જાળીથી ઢાંકે, જેથી કરીને ભવિષ્યમાં રાજ્યના ગૌરવ સમાન સિંહોને અકાળે મોતથી બચાવી શકાય.










