![]()
– વૈશ્વિક સ્તરે આગામી 10 વર્ષોમાં આશરે 16 હજાર શિપ રિસાકલ થવાનું અનુમાન
– જીએમએસ અને બિમકોએ અલંગને યુરોપિયન યુનિયનની માન્યતા માટે હિમાયત કરી
ભાવનગર : હોંગકોંગ કન્વેન્શન લાગૂ થયા અને યુરોપિયન યુનિયનના ઓડિટના તબક્કામાંથી પસાર થઈ રહેલા અલંગમાં રિસાક્લિંગ માટે આવતા શિપોની સંખ્યા સતત ઘટી રહી છે. વૈશ્વિક સ્તરે આગામી ૧૦ વર્ષમાં આશરે ૧૬ હજાક શિપને રિસાકલ કરવાની જરૂર પડશે. તેની વચ્ચે શિપિંગના વ્યવસાય સાથે જોડાયેલા સંગઠન બીમકો અને સૌથી મોટી કેશ બાયર કંપની જીએમએસએ અલંગમાં ઈયુની માન્યતા મળે તે માટે હિમાયત કરી છે.
અલંગનો શિપ રિસાક્લિંગ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. અલંગમાં હોંગકોંગ કન્વેન્શન લાગૂ થયાં બાદ પણ શિપની સંખ્યમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી નથી. ઉપરાંત અલંગના પાંચ પ્લોટમાં યુરોપિયન યુનિયનનના ઓડિટ પછી ઈયુની છેલ્લી યાદીમાં અલંગના એક પણ યાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ બધા વચ્ચે વિશ્વની સૌથી મોટી કેશબાયર અને શિપ રિસાક્લિંગ કંપની જીએમએસ બાદ વિશ્વના સૌથી મોટા ખાનગી શિપિંગ સંગઠન બિમકોએ અલંગને યુરોપિયન યુનિયનની માન્યતા મળે તે માટે હિમાયત કરી છે. બિમકોના અનુમાન પ્રમાણે વૈશ્વિક સ્તરે આગામી ૧૦ વર્ષમાં આશરે ૧૬ હજારથી વધારે શિપને રિસાકલ કરવાની જરૂરિયાત પડશે. અલંગમાં મોટાપાયે રોકાણ કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં આવ્યું છે. તેથી અલંગને યુરોપિયન યુનિયનની માન્યતા આપી ઈયુના પ્રમાણિત યાર્ડની યાદીમાં સામેલ કરવામાં આવવું જોઈએ તેવી હિમાયત કરી છે.
શિપ રિસાક્લિંગ ક્ષેત્રે અલંગનો વિશ્વમાં દબદબો વધશે : એસો. ઉપપ્રમુખ
અલંગમાં હાલ ૧૧૫ પ્લોટ હોંગકોંગ કન્વેન્શન પ્રમાણિત છે. તેમજ 5 પૈકી ૩ પ્લોટનું પ્રાઈમરી અને ૨ પ્લોટનું ફુલ ઓડિટ યુરોપિયન યુનિયન દ્વારા થઈ ચુક્યું છે. પરંતુ માન્યતા હજુ મળી નથી. આ વચ્ચે જીએમસ અને બીમકોએ અલંગને ઈયુની માન્યતા મળે તેવી હિમાયત કરી છે. જો અલંગને યુરોપિયન યુનિયનની માન્યતા મળશે તો અલંગમાં મોટા પ્રમાણમાં શિપ આવશે અને તેના લીધે અલંગનો માત્ર દક્ષિણ એશિયામાં જ નહી પણ વિશ્વમાં શિપ રિસાક્લિંગ ક્ષેત્રે દબદબો વધશે.









