![]()
– નડિયાદ- ડાકોર રોડ ઉપર
– ઉમરેઠના ઊંટખરીનો યુવક જન્માષ્ટમી કરી અમદાવાદ જતો હતો ત્યારે અકસ્માત
નડિયાદ : નડિયાદ ડાકોર રોડ ઉપર પુરઝડપે પસાર થતા ખાનગી વાહનમાંથી મુસાફરી કરતો યુવક રોડ પર પડી ગયો હતો. યુવકનું ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઉમરેઠ તાલુકાના ઊંટખરીના ભરતભાઈ ગણપતસિંહ ચૌહાણ છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં રહી નોકરી કરતા હતા. જન્માષ્ટમીનો તહેવાર હોવાથી પોતાના ઘરે ઊંટખરી આવ્યા હતા.
ઊંટખરીથી તા.૧૭મીની સવારે કોઈ વાહનમાં અમદાવાદ જવા નીકળ્યા હતા. દરમિયાન નડિયાદ ડાકોર રોડ ઉપર અલીદ્રા સ્વામિનારાયણ મંદિર નજીક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થતા વાહનમાંથી ભરતસિંહ ચૌહાણ (ઉં.વ.૪૨) રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. જેથી તેમનું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ગણપતસિંહ ફતેસિંહ ચૌહાણની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.










