![]()
આર્યુવેદ મુજબ એવી કોઈ વસ્તુ નથી કે જેમાંથી દવા ન બની શકે : જૂનાગઢ આયુર્વેદ કોલેજ ખાતે રસ શાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગ દ્વારા ભસ્મ અને ઔષધિય બનાવટનું નિદર્શન
જૂનાગઢ, : જૂનાગઢ આર્યુવેદ કોલેજ ખાતે રસ શાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગ દ્વારા ભસ્મ સહિતની ઔષધિય બનાવટનું નિદર્શન યોજાયું હતું. જેમાં આર્યુવેદ કોલેજના ડોક્ટરે જણાવ્યું હતું કે, આર્યુવેદ મુજબ એવી કોઈ વસ્તુ નથી કે જેમાંથી દવા ન બની શકે, આર્યુવેદ ભસ્મ અતિ સુક્ષ્મ કણથી અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા ધરાવે છે પરંતુ ભસ્મ યોગ્ય પરેજી અને વૈદ્યની સલાહ મુજબ લેવી અનિવાર્ય છે.
જૂનાગઢ આર્યુવેદ કોલેજ ખાતે આયોજીત આયુષ મેળામાં રસ શાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગ દ્વારા ભસ્મ તેમજ ઔષધિય બનાવટનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. રસ શાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગના ડો. રાહુલ શિંગાડીયાએ જણાવ્યું હતું કે, કોઈ એવી વસ્તુ નથી કે જેમાંથી દવા ન બની શકે, સૃષ્ટીની દરેક વસ્તુમાં ઔષધિય ગુણ હોવાનું આર્યુવેદ શાસ્ત્ર માને છે. ભસ્મ વિશે તેઓએ જણાવ્યું હતું કે, ભસ્મ બનાવવાની પ્રક્રિયા ઋષીમુનીઓના ઉંડા વૈજ્ઞાાનિક જ્ઞાાનની પ્રતિતી કરાવે છે. શંખ, છીપલા, કાચબા, કરચલાની ઢાલ, સોના-ચાંદી, લોખંડ વગેરેમાંથી આર્યુવેદિક ભસ્મ બનાવવામાં આવે છે. ધાતુ અને ખનીજને વારંવાર ગરમ કરી જુદી-જુદી પધ્ધતિથી અશુધ્ધી દુર કરી વનસ્પતિના રસ સાથે મિશ્ર કરી અગ્નિમાં પકવવામાં આવે છે. જરૂરી પ્રક્રિયાના અંતે ભસ્મ તૈયાર થાય છે. ભસ્મ દ્વારા અતિ સુક્ષ્મ કણથી અસાધ્ય રોગનો ઉપચાર થઈ શકે છે. ભસ્મ યોગ્ય પરેજી અને વૈદ્યની સલાહ મુજબ લેવી જરૂરી છે. ખોટી રીતે ભસ્મ લેવાથી લોકો બિમાર પડે છે. આવી રીતે લેવામાં આવતી ભસ્મ ઝેર સમાન થઈ જાય છે.
ભસ્મ તૈયાર કરવામાં ખુબ વાર લાગે છે. યોગ્ય પધ્ધતિથી બનાવેલી ભસ્મ જ અસરકારક થાય છે. સુવર્ણ પ્રાશનમાં પણ સુવર્ણ ભસ્મનો ઉપયોગ થાય છે જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ સાથે યાદ રાખવાની ક્ષમતા વિકસાવે છે. લોખંડમાંથી બનતી લોહભસ્મ એનિમીયા, કમળા જેવા રોગમાં અસરકારક છે. શંખ અને છીપલામાંથી બનતી ભસ્મ કેલીશયમના સપ્લીમેન્ટ તરીકે અને ટીન ભસ્મ ડાયાબિટીસ જેવા રોગમાં ઉપયોગી થાય છે. સોશ્યલ મિડીયા મારફત ખોટી રીતે ભસ્મ લેવાથી લોકો બિમાર પડે છે અને આર્યુવેદની બદનામી થાય છે. આથી ભસ્મ યોગ્ય સલાહ મુજબ જ લેવી જરૂરી છે.










