![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોના અડ્ડા તરીકે કુખ્યાત બનેલી આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનમાં આજે ફરી એક વખત મારામારી થઈ હતી.મળતી વિગતો પ્રમાણે એક યુવકે અન્ય એક યુવકને પટ્ટા વડે મારવાનું શરુ કર્યું હતું.આ દરમિયાન કોઈએ વિડિયો ઉતાર્યો હતો અને જોત જોતામાં આ વિડિયો વિદ્યાર્થી આલમમાં વાયરલ થઈ ગયો હતો.
એવુ ચર્ચાઈ રહ્યું છે કે, કેન્ટીનમાં એક વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે બેઠો હતો અને તેની નજીક બેઠેલા યુવકે કોમેન્ટ પાસ કરી હતી.વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીઓની હાજરીમાં આ પ્રકારની કોમેન્ટ નહીં કરવા માટે ટકોર કરી હતી.એ પછી આ યુવક ઉશ્કેરાયો હતો અને તેણે પટ્ટો કાઢીને વિદ્યાર્થીને મારવાનું શરુ કરી દીધું છે.એવુ પણ મનાય છે કે, મારામારી કરનાર યુવક બહારનો હતો.
આ ઘટનાના પગલે કેન્ટીનમાં ઉહાપોહ થઈ ગયો હતો અને બીજા વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા.એ પછી પટ્ટો મારનાર યુવક અને જેને પટ્ટો વાગ્યો હતો તે વિદ્યાર્થી સ્થળ પરથી જતા રહ્યા હતા.ભૂતકાળમાં પણ આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનમાં મારામારી થઈ છે પણ સત્તાધીશોએ તેમાંથી કોઈ ધડો લીધો નથી.જેના કારણે હવે બહારના તત્વોની હિંમત પણ ખુલી ગઈ છે.કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા કાગળ પર છે.આજે મારામારીમાં સંડોવાયેલો યુવક રવાના થઈ ગયો ત્યાં સુધી કોઈ સિક્યુરિટી ગાર્ડ ફરક્યો નહોતો.










