![]()
NHAI On Bhuni Toll Plaza : મેરઠ-કરનાલ સેક્શનના ભુની ટોલનાકા પર હાજર ટોલકર્મી દ્વારા ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ મોટી કાર્યવાહી કરી છે. ગત 17 ઓગસ્ટ, 2025ના રોજ સર્જાયેલી ઘટના બાદ NHAIએ ટોલ વસૂલાત કરતી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. આ સાથે તેમને એક વર્ષ માટે કોઈપણ નવી બોલીમાં ભાગ લેવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ
ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી કરી છે, ત્યારે NHAIએ ટોલનાકા એજન્સી પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને તેમની 5 લાખ રૂપિયાની કામગીરી સુરક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ભુની ટોલ પ્લાઝા પર ક્ષતિગ્રસ્ત સાધનો અને માળખાના સમારકામ અને બદલવા માટે 3.66 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
જવાનો સાથે મારામારીની ઘટના મામલે સ્પષ્ટીકરણ આપવાને લઈને ટોલ એજન્સી મેસર્સ ધર્મ સિંહને સમગ્ર કારણ બતાવવાને લઈને નોટિસ જાહેર કરી હતી. પરંતુ તેનો સંતોષકારક જવાબ મળ્યો ન હતો. તપાસમાં એજન્સીને કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી, જેમાં ગેરવર્તણૂક, હુમલો, જાહેર સંપત્તિને નુકસાન અને ટોલ કર્મચારીઓ દ્વારા ફી વસૂલાતમાં અવરોધનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન
6 આરોપીની ધરપકડ
મામલો પ્રકાશમાં આવ્યા બાદ મેરઠ પોલીસ એક્શનમાં આવી હતી. એસએસપીએ જણાવ્યું હતું કે, ઘટના સાથે સંકળાયેલા છ આરોપીઓ સચિન, વિજય, અનુજ, અંકિત, સુરેશ રાણા અને અંકિત શર્માની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. પીડિત જવાન કપિલ સેનામાં છે અને શ્રીનગરમાં તૈનાત છે. તે ઓપરેશન સિંદૂરમાં પણ સામેલ હતો. રજા પૂર્ણ કર્યા પછી તે દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ પકડીને ફરજ પર પરત ફરી રહ્યો હતો.










