![]()
CRPF દ્વારા શૌર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ : CRPFની એક નાનકડી ટુકડીની ગાથા સમગ્ર ભારતીયો માટે ગર્વ સમાન : આઈજી વિરેન્દ્ર અગ્રવાલ
ભુજ, : દર વર્ષેે 09 એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીયસરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્વાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું. આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, સીઆરપીએફમાં નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ. સીઆરપીએફ એક નાનકડી ટુકડીની ગાથા સમગ્ર ભારતીયો માટે ગર્વ સમાન છે.
ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન એ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ માટે તેઓએ બોર્ડર સિક્યોરિટી ફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 1965ના યુદ્વમાં પાકિસ્તાનની 3,000 થી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો. CRPFના જવાનો એ સમયે માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ નિભકતાથી અને સૂઝબૂઝથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટ કરવા ફરજ પાડી હતી. CRPFના વળતા પ્રહારથી પાકિસ્તાનના 34 સૈનિકો માર્યા ગયા અને દુશ્મનના લશ્કરને ભારે ખુવારીનો સામનો કરવો પડયો હતો. દુશ્મનની સાથે લડતા લડતા CRPFની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા. CRPFને 4 પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી.
આ શૌર્યદિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રધ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી. શૌર્યદિવસના કાર્યક્રમમાં ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન, બીએસએફ 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષક ડો. વિશ્વા શાહ, સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટ અભિજીત કાલે, સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશ ચંદ્વ ચંદેલ, નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.










