![]()
– વર્ષ 2020-21 થી લઇ 2024-25 સુધીમાં
– સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગરમાં રૂા. 3343.76 લાખ અને બોટાદમાં રૂા. 932.44 લાખની સહાય ચુકવાઇ
ભાવનગર : દિકરીઓને લગ્ન પ્રસંગે સીધી આર્થિક સહાય મળે તે હેતુ સાથે શરૂ કરાયેલ કુવરબાઇનું મામેરૂ યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૮૭૯૧ દિકરીઓને રૂા.૩૩૪૩.૭૬ લાખની અને બોટાદ જિલ્લામાં ૭૯૦૮ દિકરીઓને રૂા.૯૩૨.૪૪ લાખ રૂપિયાની સહાય ચુકવાઇ હોવાનું સુત્રોમાંથી જણાયું છે.
ભાવનગર અને બોટાદ જિલ્લામાં અમલ કરેલ કુવરબાઇનું મામેરૂ યોજના નબળા પરિવારોની દિકરીઓના લગ્ન ખર્ચમાં સહાય રૂપ બને છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગની દિકરીઓને લગ્ન થયા પછી રૂપિયા ૧૨,૦૦૦ની સહાય સીધી એમના બેંક ખાતામાં જમા થાય છે. અગાઉ આ યોજના હેઠળ સહાય પેટે ૧૦ હજાર રૂપિયા અપાતા હતા. જે ૧ એપ્રિલ ૨૦૨૧થી વધારી ૧૨ હજાર કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા દિકરી ગુજરાતની વતની હોવાની સાથે વાર્ષિક આવક મર્યાદા છ લાખ સુધી નિયત કરાઇ છે. અને લગ્ન થયાના બે વર્ષમાં અરજી કરવાની રહેતી હોય છે. જ્યારે દરેક પરિવારની બે પુખ્ત દિકરીઓને આ સહાય મળવાપાત્ર હોવાનું જણાયું છે. લતેમજ પુનર્વિવાહ અને વિધવા પુનર્વિવાહમાં પણ આર્થિક લાભ આપવામાં આવે છે. જે માટે ઓનલાઇન ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરી શકાય છે. ભાવનગર જિલ્લાની સાથે બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૪ દરમિયાન મેળવેલ વિગતોમાં એસઇબીસી અને ઇબીસીની કુલ મળી ૧૦૯૮૪ લાભાર્થી દિકરીઓએ લાભ મેળવ્યો હોવાનું જણાયું છે. જે ૩૬૨ થી ક્રમશ વધી છેલ્લા વર્ગમાં ૨૫૫૭ અરજી મંજુર કરાઇ હતી.










