![]()
Impeachment Demand Against Justice Verma: કેશ કાંડમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે સંસદના બંને ગૃહોના સ્પીકરને લેટર આપવામાં આવ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાને 145 સાંસદોના હસ્તાક્ષરવાળો પત્ર મળ્યો છે, જેમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની ભલામણ કરવામાં આવી છે. બપોરે 2 વાગ્યે વિપક્ષી દળોના નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી અને મહાભિયોગ પ્રસ્તાવને સમર્થનવાળો પત્ર સુપરત કર્યો હતો. આ સાથે જ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની માંગ કરનારા સાંસદોની કુલ સંખ્યા 145 થઈ ગઈ છે. આ ઉપરાંત, રાજ્યસભામાં અધ્યક્ષ ધનખડને પણ આવો પત્ર આપવામાં આવ્યો છે, જેમા રાજ્યસભામાં 54 સાંસદોએ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવને ટેકો આપ્યો છે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે વારંવાર દેશનું અપમાન કર્યું, સંસદમાં ચર્ચા વખતે ખડગેના પ્રહાર
145 સાંસદોએ મહાભિયોગ માટે ટેકો
આ પહેલા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ રવિવારે જણાવ્યું હતું કે, 100થી વધુ સાંસદોની સહી થઈ ગઈ છે. આ તમામ સાંસદો ઈચ્છે કે, જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવે. રિજિજુએ કહ્યું કે, હાલમાં સાંસદોની સહી કરાવવામાં આવી રહી છે, તેમની સંખ્યા પહેલાથી જ 100ને પાર થઈ ગઈ છે. માહિતી પ્રમાણે 145 સાંસદોએ મહાભિયોગ માટે સમર્થન આપ્યું છે. જેમાં તેમને પૂછવામાં આવ્યું કે, મહાભિયોગની પ્રક્રિયા ક્યારે શરુ થશે તો તેમનું કહેવું છે કે, આ માત્ર સરકારનું કામ નથી.આ પ્રક્રિયા તમામ પક્ષોની સંમતિથી કરવામાં આવશે.
રાહુલ ગાંધી, સુપ્રિયા સુલેએ પણ પત્ર પર સહી કરી
લોકસભા અધ્યક્ષને પત્ર સુપરત કરનારા સાંસદોમાં ટીડીપી, કોંગ્રેસ, જેડીયુ, જેડીએસ, જનસેના પાર્ટી, શિવસેના, સીપીએમના નેતાઓનો સમાવેશ થાય છે. એનસીપી-એસપીના સુપ્રિયા સુલે, અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રૂડી અને ભાજપના પીપી ચૌધરી જેવા નેતાઓએ સહી કરી છે. આ ઉપરાંત, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મહાભિયોગને સમર્થન આપ્યું છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ પત્ર પર સહી કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સાંસદ કે. સુરેશે પહેલાથી જ કહ્યું હતું કે, ન્યાયાધીશ યશવંત વર્મા સામેના મહાભિયોગ પ્રસ્તાવને અમારું સંપૂર્ણ સમર્થન છે.
આ પણ વાંચો: હું વિપક્ષનો નેતા છુ છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધીના પ્રહાર
સુપ્રીમ કોર્ટ પહોંચ્યા જસ્ટિસ યશવંત વર્મા, શું કરી દલીલ
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂક્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી પેનલના રિપોર્ટ પર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના આધારે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. જસ્ટિસ યશવંત વર્માએ એવી પણ દલીલ કરી છે કે, ‘ઇન-હાઉસ પેનલ આ પ્રકારની ભલામણ ન કરી શકે. તેમજ કોઈ ઔપચારિક ફરિયાદ ન હોવાથી તપાસ પ્રક્રિયા દરમિયાન મારો પક્ષ લેવામાં આવ્યો ન હતો.’










