![]()
મોસમ પલટાના માર વચ્ચે જગતનો તાત કામે વળગ્યો
વર્ષ ૨૦૨૪ના નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની સરખામણીએ ડબલથી વધુ વિસ્તાર ૩,૩૭૮ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું
ગાંધીનગર : ગત સપ્તાહમાં મોસમ પલ્ટાથી પડેલા કમોસમી વરસાદે ખરીફ મોસમની
કમાણી પર પાણી ફેરવ્યા છતાં મામુલી સરકારી સહાયની રાહ જોયા વગર ગાંધીનગર જિલ્લાના
ખેડૂતો રવિ મોસમ માટે કામે વળગી ગયાં છે. રાઇ, બટાટા,
તમાકુ, વરિયાળી
અને ચણાથી વાવેતરનો સત્તાવાર શુભારંભ કરી દેવાયો છે. સાથે વર્ષ ૨૦૨૪ના નવેમ્બર
મહિનાના પ્રથમ સપ્તાહની સરખામણીએ ડબલથી વધુ વિસ્તાર ૩,૩૭૮ હેક્ટરમાં
વાવણી થઇ ચૂકી છે.
ગત વર્ષે આ ગાળામાં જિલ્લામાં ૧,૫૭૯ હેક્ટરમાં
વિવિધ રવિ પાકનું વાવેતર થયુ હતું. તેની સામે આ વર્ષે વાવેતરની મોડી શરૃઆત છતાં
ધરતીપુત્રો જુસ્સાભેર ખેતરના મેદાને ઉતરી ગયાં છે. પરંતુ પાણીથી તરબોળ જમીન હોવાના
કારણે બટાટાનું વાવેતર ગત વર્ષની સરખામણીના દિવસોમાં અડધે પણ પહોંચ્યુ નથી.
ગાંધીનગર જિલ્લામાં રવિ મોસમમાં વિવિધ પાકના વાવેતરની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ
૯૦,૦૧૨ હેક્ટરની
નોંધવામાં આવી છે. રવિ મોસમમાં ખેડૂતો દ્વારા પિયત અને બિન પિયત ઘઉં, જુવાર, મકાઇ, ચણા, રાઇ, શેરડી, તમાકુ, જીરૃ, ધાણા, લસણ, સવા, ઇસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાટા, શાકભાજી અને
ઘાસચારા પૈકીના પાકોનું વાવેતર કરવામાં આવે છે. દરમિયાન તારીખ ૭મી નવેમ્બર ૨૦૨૫
સુધીમાં ચણાનું ૩૧ હેક્ટરમાં,
રાઇનું ૧,૪૭૦
હેક્ટરમાં, તમાકુનું
૧૫૦ હેક્ટરમાં, વરિયાળીનું
૪૮ હેક્ટરમાં, બટાટાનું
૧૭૮ હેક્ટરમાં શાકભાજીનું ૩૯૯ હેક્ટરમાં અને ઘાસચારાનું ૧,૩૦૨ હેક્ટરમાં
મળીને જિલ્લાનું વાવેતર કુલ ૩,૫૭૮
હેક્ટરમાં થયાનું નોંધવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ કલોલ તાલુકામાં ૧,૩૭૪ હેક્ટરમાં, માણસા તાલુકામાં
૧,૩૦૫ હેક્ટરમાં, ગાંધીનગર
તાલુકામાં ૭૪૮ હેક્ટરમાં અને સૌથી ઓછુ દહેગામ તાલુકામાં ૧૫૧ હેક્ટરમાં વિવિધ
પાકનું વાવેતર થયાનો રિપોર્ટ મળ્યો છે.
બટાટાનું કટિંગ કરીને તૈયાર રાખેલુ બિયારણ બગડી જતાં ફેંકી
દેવુ પડયું
ગાંધીનગર જિલ્લામાં પણ માવઠાના વરસાદના કારણે બટાટાનું
વાવેતર એક પખવાડિયા જેટલું ઢીલમાં પડયું છે. ત્યારે જાખોરા અને આસપાસના ગામમાં તો
ખેડૂતો દ્વારા વાવેતર માટે કટિંગ કરી,
દવા છાંટીને તૈયાર કરેલુ બિયારણ વાવવામાં આવે તેના પહેલા ભારે વરસાદ થવાના
કારણે આ બિયારણ બગડી જવાથી ખેડૂતોએ તેને ફેંકી દેવા સિવાય વિકલ્પ રહ્યો ન હતો.
જાખોરા ગામના યશવંતભાઇ રાઠોડે કહ્યું કે બટાટાનું બિયારણ કટ્ટામાં જ બફાઇ જવાના
કારણે આ સ્થિતિ આવી છે. પરિણામે પાકની કમાણી તો દુર રહી ખેડૂતોએ કરેલો બિયારણનો
ખર્ચ પણ બાતલ ગયો છે.










