Gujarat Rain Forecast: રાજ્યમાં વિદાય લેવાના આરે ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવતા કારતક મહિનામાં અષાઢી માહોલ છવાયો છે. સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 85 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ 2.25 ઇંચ વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં આવેલા આ પલટાએ જગતના તાતને બેહાલ કર્યા છે.
ક્યાં કેટલો વરસાદ?
રવિવારે (26 ઑક્ટોબર) દિવસ દરમિયાન જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો તેમાં નવસારીના જલાલપોર, ખેરગામ, ગણદેવી, ચીખલી, ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર, ઉના, છોટા ઉદેપુરના ક્વાંટ, સંખેડા, પંચમહાલના જાંબુઘોડા, તાપીના ડોલવણ, નર્મદાના ડેડિયાપાડા, ગરુડેશ્વર અને અમરેલીના રાજુલાનો સમાવેશ થાય છે. વેરાવળમાં અઢી ઇંચ અને ઉનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઇંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા
ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છિનવાયો
આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બેવડી આફતનો સામનો કરવો પડ્યો છે, કારણ કે એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે.

વરસાદને કારણે મગફળીના પાથરા ખેતરમાં જ પલળી ગયા, જેના કારણે પાક સડી જવાનો ખતરો ઊભો થયો છે. કપાસ, સોયાબીન, ડાંગર, ચીકુ અને તલ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરમાં રાખવામાં આવેલો પશુઓનો સૂકો ઘાસચારો પણ પલળી જતાં નકામો બની ગયો છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરના વરસાદથી માંડ બેઠા થયેલા ખેડૂતો લાભ પાંચમના શુભ દિવસોમાં ફરી માવઠાના મારથી આર્થિક રીતે તબાહ થયા છે. નવસારી, ગણદેવી અને બીલીમોરામાં ડાંગર અને ચીકુને ભારે નુકસાન થયું છે, જ્યારે ડાંગ જિલ્લામાં ડાંગર, વરાઈ, નાગલી અને કઠોળનો પાક ભોંયભેગો થયો છે. મધ્ય ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી માટે આવેલી ડાંગર પલળી ન જાય તે માટે ખેડૂતોએ દોડધામ મચાવી હતી.
ઓખા બંદર પર સતત બીજા દિવસે સિગ્નલ-3
દરિયાઈ પટ્ટી પર સંભવિત ખતરો જારી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3નું ભયસૂચક સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટ અને તોફાની પવનની સંભાવનાને પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા માલસામાનનું વહન કરતી નાની હોડીઓને પ્રસ્થાન ટાળવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત: કાર-લક્ઝરીની ટક્કર બાદ પાછળની અન્ય ટ્રકે મુસાફરોને કચડ્યા
આવતીકાલ માટે ઑરેન્જ અને યલો ઍલર્ટ
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે.
બે દિવસ ક્યાં વરસાદ માટે ઍલર્ટ?
- 27 ઑક્ટોબર : અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ભરુચ, સુરત, નવસારી, રાજકોટ, જામનગર, ભાવનગરમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- 28 ઑક્ટોબર : ભરુચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.










