![]()
Jamnagar Accident : જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીના પર્વના દિવસે દ્વારકાધીશજીના દર્શન કરીને રિક્ષામાં પરત ફરી રહેલા રાજકોટના બે ભાઈઓને અકસ્માત નડ્યો હતો. ધ્રોલ નજીક રીક્ષા રોડથી નીચે ઉતરી જઇ એક ઝાડ સાથે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલા તેના ભાઈને ઈજા થઇ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં આરટીઓ ઓફિસ પાછળ રહેતા મનીષ રાજાભાઈ દેવરીયા (23) અને તેનો ભાઈ હર્ષદ રાજાભાઈ દેવરીયા (19), કે જે જન્માષ્ટમીના પર્વને લઈને પોતાની રીક્ષામાં બેસી રાજકોટથી દ્વારકા પહોંચ્યા હતા, અને જગત મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરીને તેઓ રીક્ષામાં રાજકોટ જવા માટે પરત ફર્યા હતા.
દરમિયાન તેઓની રિક્ષા ધ્રોળ પાસે પહોંચતા એક ટ્રક ચાલકે પોતાનો ટ્રક ઓવરટેક કર્યો હતો, જેથી રીક્ષા ચાલક હર્ષદભાઈ કે જેણે પોતાની રીક્ષા સાઈડમાં લેવાનો પ્રયત્ન કરતાં રોડથી નીચે ઉતરી ગઈ હતી, અને ફુલ સ્પીડમાં હોવાથી એક ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી.
જે અકસ્માતમાં રીક્ષા ચાલક હર્ષદભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જયારે મૃતકના ભાઈ મનીષ રાજાભાઈને ઇજા થઇ હોવાથી સારવાર અપાઇ છે. આ અકસ્માતના બનાવ અંગર ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.










