![]()
Jamnagar : જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભમાં ગઈકાલે જામનગર આવ્યા હતા અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ એડવોકેટને આંતરી લીધા હતા, અને મારનો ભય બતાવી તેમના મોબાઈલ ફોનમાંથી રૂપિયા 10,000 ની રકમ ટ્રાન્સફર કરાવી લઈ કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ આંચકીને પોતાની સાથે લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં માધવ એવન્યુમાં ધ્રાફા ફાટક પાસે રહેતા અને વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરતા ગૌતમભાઈ કેશવભાઈ કારેણા કે જેઓએ પોતાના વકીલાતના કામ માટે ગઈકાલે જામનગર આવ્યા હતા, અને પોતાનું કામ પતાવીને બાઈક પર બેસીને જામજોધપુર જવા માટે પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન બપોરના સમયે સમર્પણ સર્કલ પાસે ડબલ સવારીમાં આવેલા બે બાઈક સવારોએ તેમને રોકી લીધા હતા, અને ધાક ધમકી આપી તેઓ પાસેથી કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ પડાવી લીધા હતા. આ ઉપરાંત કયુ આર કોડ મારફતે મોબાઈલનો ઉપયોગ કરીને તેમના બેંક ખાતામાંથી 10,000 ની રોકડ રકમ પણ અન્ય મોબાઈલ ધારકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અને ભાગી છૂટ્યા હતા. આખરે એડવોકેટ દ્વારા આ મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે બંને આરોપીઓ નંબર પ્લેટ વગરના બાઈક ઉપર આવ્યા હોવાનું જણાવ્યું હોવાથી પોલીસ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ચેક કરીને આરોપીઓને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે.










