![]()
IndiGo Airlines Crisis : છેલ્લા સાત દિવસથી ઈન્ડિગો એરલાઈન્સની ઘણી ફ્લાઈટો રદ થવાના કારણે અનેક મુસાફરો પરેશાન થતા તેમજ એરલાઈન્સે નવા નિયમોનો યોગ્ય રીતે અમલ ન કરતા કેન્દ્ર સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંસદમાં પણ ઈન્ડિગો એરલાઈન્સનો સંકટનો મુદ્દો ઉઠ્યો છે. દેશની તમામ એરલાઈન્સ કંપનીઓ સુચારુ રૂપે કામ કરે તેમજ નિયમોનો યોગ્ય રીતે અમલ કરે તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એરલાઈન્સ કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
ઉડ્ડયન મંત્રીની તમામ એરલાઈન્સોને ચેતવણી
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Ram Mohan Naidu)એ આજે (8 ડિસેમ્બર) સંસદમાં કહ્યું છે કે, ‘ઈન્ડિગો એરલાઈન્સના આંતરિક ડખાંના કારણે સેંકડો ફ્લાઈટો રદ થતાં હજારો મુસાફરો પરેશાન થયા છે. આ ઘટના નવા પેસેન્જર સેફ્ટી નોર્મ્સ લાગુ થયા બાદ થઈ છે. અમને પાયલોટ, ક્રૂ અને મુસાફરોની ચિંતા છે. અમે તમામ એરલાઈન્સોને નિયમોનો અમલ કરવા સ્પષ્ટ કહ્યું હતું. ઈન્ડિગોએ ક્રૂ અને રોસ્ટરનું યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર હતી, પરંતુ તેણે ન કર્યું. આ જ કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમે આ સંકટને હળવાશથી લઈ રહ્યા નથી, અમે કડક કાર્યવાહી કરીશું, જેથી અન્ય એરલાઈન્સોમાં પણ આવી સમસ્યા ઉભી ન થાય. જો કોઈ ભૂલ થશે તો અમે કાર્યવાહી કરીશું. સરકારે ઈન્ડિગો સંકટને લઈને સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે.’
આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો
વધુ 500 ફ્લાઈટો રદ
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટો રદ થવાનો સિલસિલો આજે સાતમાં દિવસે પણ યથાવત્ છે. રિપોર્ટ મુજબ, એરલાઈન્સે આજે વધુ 500 ફ્લાઈટો રદ કરી દીધી છે, જેના કારણે આજે પણ મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સંકટ એવું છે કે, ક્યાંક મુસાફરોની ફ્લાઈટો રદ થઈ રહી છે, તો કેટલીક ફ્લાઈટો વિલંબથી ચાલી રહી છે, જેના કારણે તેઓએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એટલું જ નહીં કંપની દ્વારા યોગ્ય સૂચના પણ આપવામાં આવી રહી નથી. રવિવારે પણ ઈન્ડિગોની 650 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી, જ્યારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સહિત કુલ 2300 ફ્લાઈટમાં 1650 ફ્લાઈટનું યોગ્ય સંચાલન થયું હતું. એરલાન્સે કહ્યું હતું કે, તેના 138માંથી 137 ડેસ્ટિનેશન પર ફ્લાઈટનું સંચાલન શરૂ થઈ ગયું છે. ગયા અઠવાડિયે 2000થી વધુ ફ્લાઈટે રદ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો ભારે પરેશાન થવાની સાથે અનેક એરપોર્ટ પર હોબાળો પણ થયો હતો. એરલાઈન્સે ગઈકાલે એવું પણ કહ્યું હતું કે, તેણે પ્રવાસીઓને 610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું છે, જ્યારે લગેજની 3000 બેગ પ્રવાસીઓના સરનામે મોકલી દીધી છે. એટલે કે હવે ઈન્ડિગોના સંચાલનમાં સુધારો થઈ રહ્યો છે.
સમયસર નિમણૂક ન કરવાના કારણે એરલાઈન્સની સ્થિતિ બગડી !
વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટો રદ થવા પાછળ નવા ‘ફ્લાઈટ ટ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL)’ના નિયમોનું કારણ આપ્યું હતું. આ નિયમ હેઠળ પાયલોટ અને ક્રૂ મેમ્બરના ડ્યૂટી અને આરામ સમયમાં ફેરફાર કરાયો છે. રિપોર્ટ મુજબ ઈન્ડિગોએ રોસ્ટર મુજબ પાયલટને ડ્યૂટી આપી ન હતી. તેણે નાણાકીય વર્ષ 2025માં માત્ર 418 પાયલોટને સામેલ કર્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે, માત્ર નિયમોના કારણે ફ્લાઈટ રદ થઈ નથી, પરંતુ એરલાઈન્સે સમયસર નિમણૂકો પણ કરી નથી, જેના કારણે એરલાઈન્સની સ્થિતિ ખરાબ થઈ છે. બીજી તરફ ફ્લાઈટોનું સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવી શકાય તે માટે ઈન્ડિગોએ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રૂપ બનાવ્યું છે.
આ પણ વાંચો : 12 સરકારી બેંકોનું મર્જર થશે તો કર્મચારીઓની નોકરીનું શું થશે, જાણો નાણામંત્રીનો પ્લાન










