![]()
વડોદરાઃ ખાડી યુધ્ધને એક મહિનો પૂરો થવા આવ્યો છે.આ યુધ્ધની ભારતના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે.ઉદ્યોગો નિકાસ અટકી જવાથી પરેશાન છે તો ઉપરથી રો મટિરિયલની તંગી અને વધતા ખર્ચનો માર પડી રહ્યો છે.વડોદરામાંથી વિદેશમાં થતી નિકાસમાં વડોદરા અને આસપાસની નાની- મોટી ફાર્મા કંપનીઓનો મોટો હિસ્સો છે.યુધ્ધના કારણે આ ઉદ્યોગોમાં દવા બનાવવાના ખર્ચમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થઈ ગયો છે.
વડોદરા ફાર્માસ્યુટિકલ એસોસિએશનના એક હોદ્દેદારે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, દવા બનાવવા માટેનું મોટાભાગનું રો મટિરિયલ પેટ્રોલિયમ પ્રોડકટમાંથી બને છે.આ રો મટિરિયલના ભાવ તેમજ પેકેજિંગમાં વપરાતા પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઈલના ભાવમાં વધારો થયો છે.દવાઓ બનાવવા માટે એલપીજી અને સીએનજીની પણ અછત છે.તેનો સપ્લાય પણ અગાઉ કરતા ૫૦ ટકા જેટલો જ મળી રહ્યો છે અને તે પણ વધારે ભાવે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના દવા ઉદ્યોગો પેરાસિટામોલ, કફ સિરફ, એન્ટિ બાયોટિક, હૃદય રોગ, ડાયાબિટિસ, સ્કીન કેર, કેન્સરને લગતી વિવિધ પ્રકારની દવાઓ બનાવે છે.જેમાંથી ઘણી દવા વિદેશોમાં નિકાસ થાય છે.
આ હોદ્દેદારના કહેવા પ્રમાણે જીવન જરુરિયાતની દવાઓના ભાવ પર સરકારનું નિયંત્રણનું છે એટલે દવા કંપનીઓ ભાવ વધારી શકે તેમ નથી પણ જો યુધ્ધ લંબાયુ તો ત્રણ મહિનામાં દવાઓનું પ્રોડક્શન ઓછુ થાય તેવી શક્યતાઓ છે.
કયા મટિરિયલનો કેટલો ભાવ વધ્યો
મટિરિયલ પહેલા હવે
આઈસોપ્રોપેલ ૧૨૫ ૧૯૦
પેરાસિટામોલ ૨૫૦ ૪૦૦
ડાયકલોફેનાસ ૪૫૦ ૬૦૦
એમોક્સિસિલિન ૧૯૦૦ ૨૭૦૦










