વડોદરાઃ દિવાળીના તહેવારો દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી જ્વેલર્સ,આંગડિયા,વેપારીઓ સહિતના વર્ગને કિંમતી દાગીનાની હેરાફેરી દરમિયાન પોલીસ રક્ષણ આપવામાં આવશે.
દિવાળી દરમિયાન સોના-ચાંદીના દાગીના,મોટી રોકડ સહિતની કિંમતી ચીજોની હેરાફેરી થતી હોય છે.જે દરમિયાન લૂંટફાટ, ચોરી અને ઠગાઇના કિસ્સા પણ બનતા હોય છે.
આ પ્રકારના ગુનાઇત બનાવો રોકવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી ડીસીપી મંજીતા વણઝારા અને તેમના ડિવિઝનના અન્ય અધિકારીઓએ ભાયલી રોડના પાર્ટી પ્લોટ ખાતે જ્વેલર્સ,આંગડિયા,મોલ્સ,વેપારી સંગઠનોના આગેવાનો સાથે મીટિંગ યોજી હતી.જેમાં ૨૦૦ થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા.
પોલીસે દિવાળી દરમિયાન ગુનાઇત બનાવો રોકવા માટે ટિપ્સ આપી હતી અને કિંમતી મત્તાની હેરાફેરી અંગે મદદ માંગનારને પોલીસ રક્ષણ આપવાની તૈયારી બતાવી હતી.આગેવાનોને શોરૃમ અને દુકાનોમાં સીસીટીવી કેમેરા ચેક કરાવી લેવા,રેકોર્ડિંગ થાય છે કે નહિ તે તપાસી લેવા, સિક્યુરિટી વ્યવસ્થા ઉપરાંત વારંવાર દેખાતા શંકાસ્પદ શખ્સો અંગે તરત જ પોલીસને જાણ કરવાની તાકીદ કરી હતી.
કર્મચારી,સિક્યુરિટી વગેરેના ડોક્યુમેન્ટ પણ તપાસવા
શોરૃમ,મોલ,દુકાનો અને ઓફિસોમાં કામ કરતા માણસોની પણ ખરાઇ કરી લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.જો નવા કર્મચારી આવ્યા હોય તો તેમના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તપાસવા તાકીદ કરવામાં આવી છે.
ભીડભાડવાળા બજારોમાં પોલીસ એનાઉન્સમેન્ટ કરી લોકોને એલર્ટ કરશે
દિવાળી દરમિયાન ભીડભાડવાળા બજારોમાં ખિસ્સા કપાવાના,પર્સમાંથી રોકડ ચોરી થવાના અને ચીલઝડપ જેવા બનાવો બનતા હોય છે.જેથી આવા તત્વોથી સાવધ રહેવા માટે પોલીસ દ્વારા ચાર દરવાજા વિસ્તાર સહિતના મોટા બજારોમાં એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવનાર છે.










