![]()
– અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન યુદ્ધની પરિસ્થિતિ બગડે તો…
– હોર્મુઝની ખાડીમાં વ્યાપારિક માર્ગ અવરોધાવાથી ક્રૂડ, ગેસ, ખાતર સહિતના સામાનનો પુરવઠો ખોરવાયો : પીએમ
– ભારતમાં સાત એમ્પાવર્ડ ગ્રુપ ‘યુદ્ધની કટોકટી’ સામે રણનીતિ ઘડશે : વડાપ્રધાન
– દેશમાં કાળા બજારી, સંગ્રાહખોરી રોકવા રાજ્ય સરકારો અને કેન્દ્રે ‘ટીમ ઈન્ડિયા’ની જેમ કામ કરવું પડશે
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા માટે સરકારે નિષ્ણાતોને સમાવતા સાત જૂથોની રચના કરી છે. આ જૂથ એલપીજી, આવશ્યક સેવાઓ અને વસ્તુઓના પુરવઠા તેમજ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અન્ય વિષયોનું નિયમિત આકલન કરી રણનીતિ ઘડશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું. આ કટોકટીનો સામનો કરવા તેમણે કોરોના મહામારીની જેમ રાજ્યોને કેન્દ્ર સરકાર સાથે ‘ટીમ ઈન્ડિયા’ તરીકે કામ કરવા અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે ભારત સામે ઊભા થયેલા પડકારો મુદ્દે રાજયસભામાં જણાવ્યું કે, ત્રણ સપ્તાહ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે તથા આ યુદ્ધ ક્યારે પૂરું થશે તે હાલ કહી શકાય તેમ નથી. આ યુદ્ધે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ પેદા કર્યું છે. ભારત માટે આ સ્થિતિ ચિંતાજનક છે.
તેમણે જણાવ્યું કે, આ યુદ્ધથી આપણા વેપારના રસ્તા જોખમમાં મૂકાયા છે. આ માર્ગેથી પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવા જરૂરી સામાનના નિયમિત સપ્લાય પર અસર થઈ રહી છે. આપણા અર્થતંત્રનો આધારસ્તંભ મજબૂત છે તથા સરકાર સતત બદલાતી સ્થિતિ પર નજર રાખી રહી છે. સરકાર તેની ટૂંકા, મધ્ય અને લાંબાગાળાની અસરો પર નજર રાખવા માટે રણનીતિ હેઠળ કામ કરી રહી છે. સરકારે એક આંતર મંત્રાલયી જૂથ બનાવ્યું છે, જે નિયમિત બેઠક કરીને આયાત-નિકાસમાં આવતા અવરોધોનું આકલન કરે છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, કોરોના મહામારી સમયે અલગ અલગ ક્ષેત્રોના પડકારોનો સામનો કરવા માટે નિષ્ણાતો અને અધિકારીઓના વિવિધ અધિકાર સાથે જૂથ બનાવાયા હતા. તેવી જ રીતે સોમવારે નિષ્ણાતો અને અધિકારીઓના વિવિધ અધિકારથી સજ્જ સાત નવા જૂથ બનાવાયા છે, જે રણનીતિ બનાવશે. આ જૂથ ગેસ, મોંઘવારી સહિત અનેક વિષયો મુદ્દે દૈનિક બેઠકો કરશે અને ચર્ચા કરીને સમાધાન માટે કામ કરશે.
વડાપ્રધાને જણાવ્યું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધની શરૂઆત બાદથી જ તેઓ મધ્ય-પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ સહિત બધા જ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના સંપર્કમાં રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય સંવાદ અને કૂટનીતિના માધ્યમથી ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવાનું છે. અણે સંઘર્ષ ઘટાડવા માટે હોર્મુઝનો માર્ગ ખોલવા અંગે પણ વાતચીત કરી હતી. હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા વ્યાપારિક જહાજોનો માર્ગ રોકવો અસ્વિકાર્ય છે. યુદ્ધ શરૂ થયા પછી પશ્ચિમ એશિયાના લગભગ બધા જ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે તેઓ ફોન પર બે-બે વખત વાતચીત કરી ચૂક્યા છે.
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આ યુદ્ધ લાંબુ ચાલશે તો તેના ગંભીર દુષ્પરિણામ આવશે. ભારત દરેક સેક્ટર અન્ય દેશો પર વધુ પડતું નિર્ભર ના હોય તેનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશમાં શિપ બિલ્ડિંગથી લઈને રેર અર્થ મિનરલ્સ સુધીના ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધના સંકટે આખી દુનિયાના અર્થતંત્રને મુશ્કેલીમાં મૂકી દીધું છે. તેમાંથી રિકવર થવામાં દુનિયાને પણ ઘણો સમય લાગશે. આ મુશ્કેલ સમયમાં રાજ્યો અને કેન્દ્ર સરકારોએ કોરોના મહામારી સામે લડયા હતા તે રીતે ‘ટીમ ઈન્ડિયા’ની જેમ કામ કરવું પડશે.










