National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધના EDના કેસને રદ કરવામાં આવતા કોંગ્રેસ છાવણીમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના આ ચુકાદાને સત્યની જીત ગણાવી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિજય ઉત્સવ અને વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભાજપ કાર્યાલયના ઘેરાવનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમેવ જયતેના નાદ સાથે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું.
ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયના ઘેરાવનો કાર્યક્રમ હતો
નેશનલ હેરાલ્ડ કેસ રદ થવાના સમાચાર મળતા જ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો. આ પ્રસંગે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ
નહેરુબ્રિજ પાસે આવેલી પતંગ હોટેલ પાસેથી આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે ભાજપ કાર્યાલય તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ તેઓ કાર્યાલય સુધી પહોંચે તે પહેલા જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કાર્યકરો ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરે તે પૂર્વે જ પોલીસે દરમિયાનગીરી કરી હતી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અન્ય ટોચના નેતાઓ તથા કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસની આ કાર્યવાહીને પગલે સ્થળ પર ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જોકે કોંગ્રેસે આ ચુકાદાને ભાજપની ‘રાજકીય કિન્નાખોરી’ સામે સત્યનો વિજય ગણાવ્યો હતો.

મની લોન્ડરિંગની ચાર્જશીટ ફગાવી
ગઇકાલે 16 ડિસેમ્બર નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
કોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન
દિલ્હી કોર્ટે EDની તપાસની કાયદેસરતા પર એક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, ‘CBI એ હજી સુધી કોઈ ‘પ્રિડિકેટ ગુનો’ (મૂળ ગુનો) નોંધ્યો નથી, તેમ છતાં ED શેની તપાસ ચાલુ રાખે છે.’કોર્ટે પ્રશ્ન કર્યો કે જ્યારે મૂળ ગુનો (પ્રિડિકેટ ગુનો) નોંધાયેલો જ ન હોય, ત્યારે મની લોન્ડરિંગ તપાસ (Prevention of Money Laundering Act – PMLA હેઠળ) કેવી રીતે આગળ વધી શકે. આ કાયદાકીય આધાર પર કોર્ટે EDની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇન્કાર કર્યો હતો.
ગાંધી પરિવાર માટે મોટી જીત!
ઉલ્લેખનીય છે કે, ગાંધી પરિવાર માટે નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો આ નિર્ણયને એક મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવે છે, કારણ કે તે ટ્રાયલ પ્રક્રિયાને આગળ વધતાં અટકાવશે. EDએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(AJL)ની સંપત્તિ યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગેરકાયદે રીતે હસ્તગત કરવામાં આવી હતી અને મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને રાજકીય રીતે પ્રેરિત કેસ ગણાવ્યો છે અને કહ્યું છે કે ‘આમાં કોઈ વ્યક્તિગત નાણાકીય લાભ લેવામાં આવ્યો નથી.’










