,પદમલા જૈન દેરાસરના સેવક બ્રેનડેડ જાહેર થતા તેઓના અંગોનું દાન કરાયું હતું. જેના પરિણામે પાંચ વ્યક્તિઓના જીવનમાં નવો ઉજાસ ફેલાશે.
શહેર નજીકના પદમલા ગામના જૈન દેરાસરમાં સેવાકાર્ય કરતા ૫૬ વર્ષના હિતેન્દ્રભાઇ મણીલાલ પરમારનું બલ્ડ પ્રેશર ચાર દિવસ પહેલા એકદમ વધી જતા તેઓ પડી ગયા હતા. માથામાં ઇજા થતા તેઓ બેભાન થઇ જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ડોક્ટરોએ તેઓને વેન્ટિલેટરના સપોર્ટ પર મૂક્યા હતા. ડોક્ટરોએ તેઓનો જીવ બચાવવાની કોશિશ કરી હતી. તેમછતાયં તેઓ બ્રેનડેડ થઇ ગયા હતા. સયાજી હોસ્પિટલના ડોક્ટરોે તેમના પરિવારને ઓર્ગન ડોનેશન માટે કહેવા જતા પરિવારે જ સામેથી કહ્યું કે, હિતેન્દ્રભાઇનો સંકલ્પ જ હતો કે, તેમના અંગોનું દાન કરવામાં આવે. ડોક્ટરોએ તમામ કાયદાકીય કાર્યવાહીની પૂર્તતા કરી બે કિડની, લિવર અને બે આંખોનું દાન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.ગ્રીન કોરિડોર કરીને કિડની અને લિવર અમદાવાદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સયાજી હોસ્પિટલમાં સાતમી વ્યક્તિએ અંગદાન કર્યુ છે.










