![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના ક્લાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડિયો વાયરલ થયા બાદ રેગિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોના પગલે ચકચાર મચી ગઈ હતી.
વિડિયોમાં જૂનિયર વિદ્યાર્થીને સિનિયર વિદ્યાર્થી દ્વારા ગાળો બોલીને ઊઠ- બેસ કરાવવાની ફરજ પાડવામાં આવતી હોવાનું અને એ પછી જૂનિયર વિદ્યાર્થીને બે લાફા મારવામાં આવતા હોવાનું જોઈ શકાય છે. સાથે સાથે સિનિયર વિદ્યાર્થી જૂનિયર વિદ્યાર્થીને ગાળો પણ આપે છે.
આ વિડિયો વાયરલ થયા બાદ એનએસયુઆઈએ જૂનિયર વિદ્યાર્થીનું એબીવીપીના કાર્યકરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાના હોવાના સ્ફોટક આક્ષેપ સાથે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ધનેશ પટેલને રજૂઆત કરી હતી અને રેગિંગ કરનાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. એનએસયુઆઈ દ્વારા જો જૂનિયર વિદ્યાર્થીને ન્યાય નહીે મળે તો પોલીટેકનિક બંધનું એલાન આપવાની પણ ધમકી આપવામાં આવી હતી.રેગિંગનાઆક્ષેપો થયા બાદ સત્તાધીશોએ ડેમેજ કંટ્રોલ શરુ કર્યું હતું અને બંને વિદ્યાર્થીઓને બોલાવીને સમાધાન કરાવ્યું હતું તેમજ રેગિંગની વાત પર જ પડદો પાડી દીધો હતો.
રેગિંગના આક્ષેપ ખોટા, બેન્ચ પર પગ મૂકવા બાબતે ઝઘડો થયો હતો
પોલીટેકનિકના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રોફેસર ધનેશ પટેલે કહ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા આ ઘટના બની હતી અને તેનો વિડિયો હવે વાયરલ થયો છે.જૂનિયર અને સિનિયર વિદ્યાર્થીઓ વચ્ચે બેન્ચ પર પગ મૂકીને બેસવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઘટનાને ખોટી રીતે રાજકીય રંગ અપાઈ રહ્યો છે.રેગિંગના આક્ષેપો પણ ખોટા છે.બંને વિદ્યાર્થીઓને બોલાવીને તેમની પાસે માફી મંગાવી છે.વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે.તેમના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા છે અને જરુર પડે તો તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે.
એનએસયુઆઈના આગેવાનોએ અધ્યાપકો સાથે અગાઉ દાદાગીરી કરી હતી
પોલીટેકનિક કોલેજનું કોઈ ધણી ધોરી ના હોય તેવો માહોલ છે.આ પહેલા પણ એનએસયુઆઈના આગેવાનો પોલીટેકનિકમાં આવીને અધ્યાપકો સાથે નજીવી બાબતમાં દાદાગીરી કરી ચૂકયા છે.એટલું જ નહી પોતાના ફોલોઅર્સ વધારવા માટે તેમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર દાદાગીરી કરતા વિડિયો પણ મૂકયા છે.અધ્યાપકોએ પણ સત્તાધીશો સમક્ષ આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો.આમ છતા તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી.જેના કારણે બીજા માથાભારે વિદ્યાર્થીઓની હિંમત પણ ખુલી ગઈ છે.
વિવાદના કેન્દ્રમાં રહેલા વિદ્યાર્થીઓએ શું કહ્યું?
આ વિવાદના કેન્દ્રમાં રહેલા જૂનિયર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, લેકચર પૂરુ થયા બાદ ઝઘડો થયો હતો અને સિનિયર વિદ્યાર્થી મારા પર વધારે ઉશ્કેરાયો હતો અને તેણે મને લાફા માર્યા હતા.મારો કોઈ વાંક નથી અને મને મારા ભવિષ્યની ચિંતા છે.બીજી તરફ સિનિયર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, મેં ગુસ્સામાં લાફા માર્યા બાદ જૂનિયર વિદ્યાર્થી અને તેની સાથે આવેલા બીજા લોકોએ મને ઘેરી લીધો હતો.લાફા મારવા બદલ મેં તેની માફી માગી હતી અને તેણે પણ મને તે વખતે વળતા બે લાફા માર્યા હતા.










