![]()
– ખંભાતના જહાજ ગામે રૂા. 3.32 લાખની લૂંટમાં યુવક ફરિયાદી હતો
– ટોર્ચર કરનારા ખંભાત ગ્રામ્યના બે પીએસઆઈ અને બે વહીવટદારને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
આણંદ : ખંભાત તાલુકાના જહાજ ગામના યુવકે ગતરોજ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જોકે, જહાજ ગામના યુવકે પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. થોડા દિવસ પૂર્વે રૂા. ૩.૩૨ લાખની લૂંટની ઘટનામાં ફરિયાદી યુવક ઉપર પોલીસ દ્વારા અસહ્ય ટોર્ચરિંગ કરવામાં આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવી હોસ્પિટલ ખાતે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ ટોર્ચર કરનારા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના બે પીએસઆઇ તથા વહીવટદારને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ખંભાત તાલુકાના જહાજ ગામે રહેતા જીગ્નેશકુમાર રમણભાઈ પટેલ સહકારી મંડળીમાં માઈક્રો એટીએમ એજન્ટ તરીકે ફરજ બજાવતા હતા. સપ્તાહ પૂર્વે મંડળીના સભાસદોને નાણા વહેંચવાના હોવાથી તેઓ બાઈક ઉપર ગામના જ દશરથભાઈ પ્રવીણભાઈ પટેલને બેસાડી ખંભાત ખાતે આવેલી કેડીસીસી બેંકમાં ગયા હતા. ત્યાંથી રૂપિયા ૩.૩૬ લાખ ઉપાડયા બાદ તેમાંથી રૂા. ૪,૦૦૦ બે વ્યક્તિઓને આપીને બાકીના કુલ રૂપિયા ૩.૩૨ લાખ એક બેગમાં મૂકી જીગ્નેશ કુમાર અને દશરથભાઈ બાઇક લઈને જહાજ ગામે આવતા હતા. ત્યારે જીતપુરા રામપુરા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે પાછળથી એક બાઈક ઉપર આવી બે અજાણ્યા શખ્સોએ અચાનક તેમની બાઈક પાસે આવી પાછળ બેઠેલા શખ્સે દશરથભાઈના હાથમાં રાખેલી રૂા. ૩.૩૨ લાખ ભરેલી બેગ ઝૂંટવી લઈ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી.
દરમિયાન ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના બે પીએસઆઇ તથા અન્ય બે વહીવટદારો સહિતના ચાર શખ્સો દ્વારા છેલ્લા ચાર દિવસથી સતત જીગ્નેશભાઈને ટોર્ચરિંગ કરવામાં આવતા ગતરોજ પોલીસના અસહ્ય ત્રાસથી કંટાળી ગયેલા જીગ્નેશભાઈએ પોતાના તબેલા ખાતે જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આજે મૃતકના પરિવારજનોએ કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે પોલીસ વિરોધી સૂત્રોચાર કરી હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી ટોર્ચર કરનારા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
ખંભાતના ડીવાયએસપીનો સંપર્ક કરતા ફોન ઉપાડવાની તસદી ન લીધી
આ અંગે ખંભાતના ડીવાયએસપી એસ.બી. કુંપાવતનો ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેમનો ફોન સતત રણકતો રહ્યો હતો અને વાત થઈ શકી નહોતી.
આરોપીઓને પકડવાના બદલે ફરિયાદીને માર મારી નિવેદન લખાવાયાનો આરોપ
ખંભાત ગ્રામ્ય પોલીસ ના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવાના બદલે ફરિયાદી ઉપર ત્રાસ ગુજારતા પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. જીગ્નેશ રમણભાઈ પટેલના નાનાભાઈ અમિતકુમાર પટેલે ખંભાત ગ્રામ્ય પોલીસના પીઆઈને લેખિત રજૂઆત કરતા જીગ્નેશભાઈ ઉંદેલ વાળા, અંકિતભાઈ ભુવેલવાળા તથા ખંભાતના પીએસઆઇ ભરવાડ અને ચાવડા દ્વારા જીગ્નેશને વારંવાર ટોર્ચરિંગ કરવામાં આવતું હતું અને માર મારી નિવેદન લખાવવામાં આવતા હોવાનો આક્ષેપ લેખિત રજૂઆતમાં કરાયો છે.










