અમદાવાદ,રવિવાર
શહેરના સોલા વિસ્તારમાં રહેતા યુવક પર પ્રેમસંબધની તકરારના મામલે અદાવત રાખીને ચાણક્યપુરી બાલાજી ચાર રસ્તા પાસે શનિવારે બપોરના સમયે યુવકને રોકીને તેના યુવતીના ભાઇએ હુમલો કરીને બે રાઉન્ડ ફાયરીંગ કરીને હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સોલા ગુજરાત હાઇકોર્ટની સામે આવેલા કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં રહેતા ૩૨ વર્ષીય પ્રકાશ દેસાઇ પાલડીમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. પ્રકાશ દેસાઇને તેમના ગામની સીમા નામની યુવતી સાથે પ્રેમસંબધ હતો.જે અંગે સામાજિક સ્તરે તકરાર થતા સમાધાન થયુ હતું અને પ્રકાશે સીમા સાથે સંબધ કાપ્યા હતા. શનિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ પ્રકાશભાઇ ચાણક્યપુરી બાલાજી ચાર રસ્તા પાસેથી સ્કૂટર પર પસાર થતા હતા. ત્યારે એક કાર પુરઝડપે આવી હતી અને પ્રકાશભાઇના સ્કૂટરને ટક્કર મારીને નીચે પછાડયા હતા. ત્યારબાદ કારમાંથી સીમાનો કૌટુંબિક ભાઇ મોન્ટુ દેસાઇ અન્ય બે લોકો સાથે બહાર આવ્યો હતો. તેણે બહાર આવીને બેઝબોલની સ્ટીક અને લાકડીઓથી બેરહેમી પૂર્વક માર માર્યો હતો. આ દરમિયાન મોન્ટુએ પિસ્તોલ કાઢીને ધમકી આપી હતી કે આજે તારો ખેલ પુરો કરવાનો છે અને પ્રકાશ પર બે રાઉન્ડ પર ફાયરીંગ કર્યું હતું. જેમાં પગમાં બે ગોળી વાગી હતી. ત્રીજી ગોળી મારે પહેલા આસપાસમાં સ્થાનિક લોકો દોડી આવતા મોન્ટુ ધમકી આપીને ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને ફરાર મોન્ટુ અને તેની સાથે આવેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.









