![]()
(્પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર
ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ નવમી ઓક્ટોબરે ગુજરાતમાં ફટાકડાંના વેપારીઓ પર પાડેલા દરોડામાં રૃા. ૪.૩૩ કરોડની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી પકડી પાડવામાં સફળતા મેળવી હતી. તેમ જ રૃા.૧૬ કરોડની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જવાબદારી ઊભી કરી હતી. આમ ફટાકડાંના વેપારમાં વગર બિલનો મોટો વેપાર ચાલતો હોવાની હકીકતને સમર્થન મળી ગયું છે.
૪.૩૩ કરોડની જીએસટીની ચોરી પકડાઈ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જમા કરાવવાની ૧૬ કરોડ જવાબદારી ઊભી કરી
ગુજરાતના અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠાં, રાજકોટ, ગાંધીધામ, વાપી, જામનગર, વલસાડ અને મોરબીમાં આવેલા ૩૭ જેટલા સ્થળે ચાલતા ફટાકડાંના ધંધાના ૬૯ એકમો પર તપાસ ચાલુ કરી હતી. આ સ્થળોએ બહુધા બિવ વિનાનો વેપાર થતો હોવાનું જોવા મળ્યું હતું. તેમ જ ફટાકડાંની ખરીદીનો હિસાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો જ નહોતો. કરદાતાઓ દ્વારા બિલ વિનાની ખરીદી અને બિલ વિનાના વેચાણના માધ્યમથી જીએસટીનો ચોરી કરવામાં આવતી હતી. ફટાકડા પર ૨૦૧૭ની સાલથી જ ૧૮ ટકા જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. ફટાકડાંના વેપારીઓ વાસ્તવિક વેચાણ કરતાં ઓછું વેચાણ દર્શાવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વેરાની ચોરીનો અંદાજિત આંકડો રુ. ૪.૩૩ કરોડની આસપાસનો હોવાનું બહાર આવ્યું હતું.
બીજીતરફ બિલ વિનાનો વેપાર કરીને જીએસટી ભરવાની ટાલવામાં આવી રહેલી જવાબદારીના રૃા. ૧૬ કરોડ પણ પકડી પાડીને વેપારીઓ પાસે તેની વસૂલી કરવાની જવાબદારી ઊભી કરી દેવામાં આવી રહી છે.










