![]()
ગાંધીનગર પાસે સરગાસણની વસાહતમાં
સ્કીમમાં ભાગીદાર હોવાનું કહીને રૃપિયા લીધા બાદ વાપરી નાખ્યા ઃ ઇન્ફોસિટી પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર નજીક સરગાસણમાં રહેતા કંપનીના ડાયરેક્ટરને ફ્લેટ
અપાવવાના બહાને સગા દ્વારા જ ૧૬ લાખ રૃપિયાનો ચુનો ચોપડવામાં આવ્યો છે. જે સંદર્ભે
ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણની
બ્રીઝ ગ્રીન વસાહતમાં રહેતા અને ટુરિઝમ કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતા
ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ રાઓલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના સગા
ધર્મેન્દ્રસિંહ નારણસિંહ વાઘેલા રહે પ્લોટ નં. ૬૦૮, સેક્ટર ૮-બી,
ગાંધીનગર ખાતે રહે છે. વર્ષ ૨૦૧૯માં,
ચિરાગસિંહને ફ્લેટ ખરીદવો હતો,
ત્યારે તેમના સગા ધર્મેન્દ્રસિંહે તેમને સરગાસણ ગામમાં બનવા જઈ રહેલી સ્પર્શ
બ્રીઝ ગ્રીન (હાલનું નામ બ્રીઝ ગ્રીન) નામની સ્કીમ વિશે જણાવ્યું હતું અને પોતે
તેમાં ભાગીદાર હોવાનું કહ્યું હતુ.ફ્લેટની કિંમત ૩૦,૦૦,૦૦૦
નક્કી થયા બાદ, બુકિંગ
માટે એડવાન્સ રકમ જમા કરાવવાનું જણાવતા,
ચિરાગસિંહે તેમના પિતાના બેંક ખાતામાંથી કુલ ૧૬,૦૦,૦૦૦ના
ત્રણ ચેક આપ્યા હતા. જોકે ધર્મેન્દ્રસિંહે આ પૈસા કંપનીમાં જમા કરાવવાને બદલે
પોતાની પત્ની અને પોતાના અંગત ખાતામાં જમા કરાવી દીધા હતા. જ્યારે ચિરાગસિંહે આ
બાબતે પૂછપરછ કરી, ત્યારે
ધર્મેન્દ્રસિંહે રજીસ્ટ્રેશન નંબર ન હોવાથી પૈસા અંગત ખાતામાં રાખ્યાનું બહાનું
આપ્યું હતું.પાછળથી, જ્યારે
ચિરાગસિંહને સ્પર્શ બ્રીઝ ગ્રીન કંપનીના અન્ય ભાગીદાર કૃણાલભાઈ દેસાઈને મળતા ખબર
પડી કે કંપનીને ફક્ત ૮,૦૦,૦૦૦ જ મળ્યા છે.
આથી, ચિરાગસિંહે
બાકીની રકમ અન્ય રીતે ચૂકવી અને બેંક ઓફ બરોડામાંથી લોન લઈને કુલ ૩૦,૦૦,૦૦૦ ચૂકવી
ફ્લેટનો દસ્તાવેજ કરાવી લીધો.જ્યારે ચિરાગસિંહે ધર્મેન્દ્રસિંહ પાસે અગાઉ આપેલા ૧૬,૦૦,૦૦૦ પાછા માંગ્યા, ત્યારે તેમણે
પૈસા થોડા દિવસોમાં પાછા આપી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આજદિન સુધી
પરત કર્યા નથી. જેથી આ અંગે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.










