![]()
વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વગર એક પછી એક ડિરેક્ટર બિનહરીફ જાહેર થઇ રહ્યા છે અને નવી વ્યવસ્થાપક કમિટિ માટે હાઇકોર્ટના ઓર્ડરથી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજ્યના રજિસ્ટ્રારે ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખને ઓડિટ રિપોર્ટમાં ક્ષતિઓ બદલ ગેરલાયક કેમ નહિ ઠેરવવા તેની નોટિસ આપી તા.૧૩મીએ હાજર રહેવા જણાવતાં રાજકીય મોરચે ઉત્તેજના વ્યાપીછે.
બરોડા ડેરીની આગામી તા.૧૮મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે ભાજપ દ્વારા મેન્ડેટ આપવા સેન્સ લેવામાં આવ્યા હતા.જેમાં વર્તમાન ડિરેક્ટરોએ પણ રજૂઆત કરી હતી. જ્યારે ધારાસભ્યો દ્વારા ગાંધીનગરમાં સેન્સ આપવામાં આવ્યા હતા.આ દરમિયાન બરોડા ડેરીના બહુમતી ડિરેક્ટરો બિનહરીફ થયા છે ત્યારે રાજ્યના રજિસ્ટ્રારે વર્ષ-૨૦૨૪-૨૫ના ઓડિટ અહેવાલના કેટલાક મુદ્દા ટાંકીને ડેરીના પ્રમુખ દિનુમામા અને ઉપપ્રમુખ જીબી સોલંકીને ગુજરાત સહકારી અધિનિયમની કલમ ૭૬-બી(૧) હેઠળ શોકોઝ નોટિસ આપવામાં આવી છે.
આ નોટિસમાં જુદાજુદા છ મુદ્દા ટાંકવામાં આવ્યા છે.જેમાં ડેરી દ્વારા દાણ અને દુધનું ઉત્પાદન વધારવામાં નિષ્ફળતાના મુદ્દે જવાબ માંગવામાં આવ્યો છે.આવી જ રીતે પ લાખથી વધુની ખરીદીમાં ઇ ટેન્ડરિંગના નિયમનો ભંગ કરવામાં આવ્યો હોવાની અને બોડેલીના સોલાર પ્લાન્ટ માટે સૌથી નીચા ભાવને મંજૂરી આપી છે પણ તે માટે રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી લીધી નહિ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આવી જ રીતે ડેરી દ્વારા ડભોઇ ખાતે જમીનના પ્લોટની ખરીદીમાં પણ રજિસ્ટ્રારની મંજૂરી નહિ લીધી હોવાનું કહેવાયું છે.જેથી આ તમામ મુદ્દે તા.૧૩મીએ ગાંધીનગર ખાતે રૃબરૃ હાજર રહી જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે.










