![]()
વડોદરા : તાજેતરમાં જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
થઇ છે અને હવે તેની મતગણતરી થવાની છે ત્યારે વડોદરાના મહિલા એડવોકેટે હાઇ પાવર
ઈલેક્શન સુપરવાઈઝરી કમિટીને પત્ર લખી મહિલા અનામતની બેઠક સાત નહી પરંતુ આઠ કરવાની
રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે જો બેઠક આઠ કરવામાં નહી આવે તો તે સુપ્રીમ
કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાશે.
એડવોકેટ શીતલબેન ઉપાધ્યાયે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મહિલાઓ માટે નિર્ધારિત ૩૦ ટકા અનામતનું પાલન
કરવામાં તંત્રની ભુલ થઇ છે. હાલની વ્યવસ્થા મુજબ ૨૫ સભ્યોની સમિતિમાં જે ૭ બેઠકો
મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, તે વાસ્તવમાં ગણિતની
દ્રષ્ટિએ ૩૦ ટકા કરતા ઓછી એટલે કે માત્ર ૨૮ ટકા જ થાય છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મહિલાઓ માટે ૩૦ ટકાથી ઓછી નહીં તેવી
રીતે બેઠકો ફાળવવાની સૂચના છે. બાર કાઉન્સિલની કુલ ૨૫ બેઠકોના ૩૦ ટકા લેખે ૭.૫
બેઠકો થાય છે. કાયદાકીય જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના આદેશના ચુસ્ત પાલન માટે આ
આંકડાને રાઉન્ડ-અપ કરીને આગલી સંખ્યા એટલે કે ૮ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી
અનિવાર્ય છે. જો માત્ર ૭ બેઠકો જ અનામત રખાય તો તે લઘુત્તમ ૩૦ ટકાના ધોરણને
સંતોષતી નથી અને તે કાયદેસરની ક્ષતિ ગણાય.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, હાલમાં મતદાનની
પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ મતગણતરી હજુ શરૃ થઈ નથી. આ તબક્કે જો બેઠકોની
સંખ્યામાં સુધારો કરવામાં આવે તો પરિણામ જાહેર થયા બાદ ઊભી થનારી કાયદાકીય ગૂંચવણો
અને વિવાદોને ટાળી શકાય તેમ છે. હાલના માળખા મુજબ ૫ બેઠકો ચૂંટણી દ્વારા અને ૨
બેઠકો સિલેક્શન દ્વારા અનામત રાખવાનું નક્કી થયેલું છે, જેમાં
ફેરફાર કરીને ૬ બેઠકો ચૂંટણી દ્વારા અને ૨ બેઠકો સિલેક્શન દ્વારા ફાળવી કુલ સંખ્યા
૮ કરવામાં આવે.










