અમદાવાદ,શુક્રવાર, 25 જુલાઈ,2025
હાલમાં મકરબા ક્રોસિંગ પાસે બ્રિજ પ્રોજેકટ દ્વારા બ્રિજ
બનાવવાની કામગીરી ચાલી રહી છે.બ્રિજવાળા ભાગમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન આવેલી
છે.જેમાં બ્રેકડાઉન ના થાય તે માટે ટોરેન્ટ ક્રોસિંગથી કોર્પોરેટ રોડ સુધી ૫૦૦
મીટરની ડ્રેનેજ લાઈન રીહેબ કરવા રુપિયા ૧૨ કરોડનો ખર્ચ કરાશે. આ કામગીરી કરાવવા
કોન્ટ્રાકટર વર્મ ઈન્ડિયાના અગાઉ થયેલા રુપિયા ૪૦ કરોડના ટેન્ડરને રિવાઈઝ કરી રુપિયા
૧૨ કરોડનો વધારો આપવા મંજૂરી અપાઈ છે.
સરખેજ-મકતમપુરા વોર્ડમાં આવેલ અંબર ટાવરથી સવેરા હોટલ થઈ ફતેવાડી
કેનાલના પાછળના ભાગના નોન ટી.પી.વિસ્તારમાં નદી તરફ જતી ડ્રેનેજલાઈનમાં અવારનવાર ભંગાણ
થતુ હોવાથી રુપિયા ૪૦.૪૪ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર વર્મ ઈન્ડીયાને સ્ટ્રોમ વોટર તથા
ડ્રેનેજ પાઈપલાઈનના રીહેબીલીટેશનની કામગીરી અપાઈ હતી.અંબર ટાવરથી કુઝીલ પાર્કજવાના
રસ્તા ઉપર બે હજાર એમ.એમ.ડાયામીટરની ડ્રેનેજલાઈન રીહેબ કરવાની કામગીરી હાલ ચાલી રહી
છે.આ ઉપરાંત આ કોન્ટ્રાકટરને ટેરેન્ટ ક્રોસિંગથી કોર્પોરેટ રોડ સુધી આવેલી વર્ષો જુની
ડ્રેનેજ લાઈન રીહેબ કરવાની કામગીરી આપવામાં આવી છે.આ લાઈન રીહેબ થવાથી ફતેવાડી કેનાલથી
અંબર ટાવર થઈ મકરબા ક્રોસિંગ થઈ કોર્પોરેટ રોડથી એસ.જી.હાઈવે તરફની ડ્રેનેજલાઈન રીહેબ
થવાથી બ્રેકડાઉનની સમસ્યાનો અંત આવશે એવો દાવો કરાયો છે.










