![]()
અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું યુએસ ટ્રેઝરી બોન્ડમાં રોકાણ ૨૦૦ અબજ ડોલરની નીચે આવી ગયું છે. એક અહેવાલ મુજબ, ઓક્ટોબર ૨૦૨૫ના અંત સુધીમાં અમેરિકન ટ્રેઝરી બોન્ડમાં ભારતનું રોકાણ લગભગ ૧૯૦ અબજ ડોલર થઈ ગયું છે, જે એક વર્ષ પહેલા કરતા ૫૦.૭ અબજ ડોલરનો ઘટાડો છે.
અત્રે નોંધનીય છે કે આ વલણ ફક્ત ભારત પૂરતું જ મર્યાદિત નથી. ચીન, બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને હોંગકોંગ સહિતના અનેક દેશોએ પણ યુએસ ટ્રેઝરી બોન્ડમાં પોતાનું હોલ્ડિંગ ઘટાડયું છે.
આ સમયગાળા દરમિયાન આરબીઆઈએ પોતાના સોનાના ભંડારમાં વધારો કર્યો છે. ઓક્ટોબર, ૨૦૨૫ના અંત સુધીમાં સેન્ટ્રલ બેંક પાસે ૮૮૦.૧૮ મેટ્રિક ટન સોનું હતું, જે એક વર્ષ પહેલા ૮૬૬.૮ મેટ્રિક ટન હતું. ૨૬ સપ્ટેમ્બર સુધીમાં કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને ૧૩.૬ ટકા થયો છે, જે ગત વર્ષે ૯.૩ ટકા હતો.
ઓક્ટોબર ૨૦૨૫માં પાકતા યુએસ ટ્રેઝરી બોન્ડમાં કુલ વૈશ્વિક રોકાણ ૯.૨૪ ટ્રિલિયન ડોલર હતું. સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ જાપાનનું ૧.૨ ટ્રિલિયન ડોલર હતુ. આ સિવાય યુકે પાસે ૮૭૭ અબજ ડોલર, ચીન પાસે ૬૮૮.૭ અબજ ડોલર(ઘટાડો), બ્રાઝિલનું રોકાણ ૨૨૮.૮ અબજ ડોલરથી ઘટીને ૧૬૭.૭ અબજ ડોલર થયું છે.
બજાર નિષ્ણાંતોના મતે યુએસ અને અન્ય વિકસિત દેશોમાં વધતા નાણાકીય દબાણને કારણે બોન્ડ યિલ્ડમાં વધારો થયો છે, જેના કારણે ટ્રેઝરી બોન્ડમાં વેલ્યુએશન નુકસાનનું જોખમ વધી ગયું છે. આ જોખમને ઘટાડવા માટે આરબીઆઈ સહિત અનેક કેન્દ્રીય બેંકો હવે તેમના સોનાના હોલ્ડિંગમાં વધારો કરી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી, વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેંકોએ ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડવાનું અને સોનાને સેફ-હેવન એસેટ તરીકે પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે.










