![]()
– ઘરવેરા વિભાગે વોટર વર્કસ વિભાગને પાણી કનેકશન કાપવા પ્રથમ લીસ્ટ આપ્યુ
– મહાપાલિકામાં સોમવારે 136 મિલકત ધારકોએ રૂા. 16 લાખનો વેરો ભર્યો
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાએ મિલકત વેરો વસુલવા માટે કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે અને માસ જપ્તી ઝુંબેશ હાથ ધરી છે. મિલકત વેરો નહીં ભરનાર બાકીદારોના પાણી કનેકશન પણ કાપવામાં આવશે.
મહાનગરપાલિકામાં આજે સોમવારથી મિલકત વેરો વસુલવા માટે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંત સુધી કામગીરી શરૂ રહેશે. આશરે પ૦ હજાર કરતા વધુનો મિલકત વેરો બાકી હોય તેવા ર૧૧ બાકીદારોનું પ્રથમ લીસ્ટ ઘરવેરા વિભાગે આજે સોમવારે વોટર વર્કસ વિભાગને આપ્યુ છે અને આ બાકીદારો મિલકત વેરો નહીં ભરે તો પાણી કનેકશન કાપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના ચોપડે કુલ ૩.૦૯ લાખ મિલકત ધારક નોંધાયેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૧.૮ર લાખ મિલકત ધારકોએ ૧૪૦.૧૬ કરોડનો વેરો ભર્યો છે, જયારે હજુ ૧.ર૭ લાખ મિલકત ધારકોએ કોઈ કારણસર વેરો ભર્યો નથી તેથી મહાપાલિકા દ્વારા આ બાકીદારો પાસેથી મિલકત વેરો વસુલવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. માસ જપ્તી ઝુંબેશમાં મહાપાલિકાના ઘરવેરા વિભાગ સહિતના ૩પ વિભાગના પ૦૦ થી વધુ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. મહાપાલિકામાં સોમવારે ૧૩૬ મિલકત ધારકોએ રૂા. ૧૬ લાખનો વેરો ભર્યો હતો.
ઘરવેરા વિભાગે કેટલાક વિભાગને મિલકત વેરાના બાકી બીલો સોંપ્યા છે, જેમાં મહાપાલિકાનો મિલકત વેરો ભરી દેશે તેની મિલકતને સીલ મારવામાં આવશે નહીં, જયારે મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ મારવામાં આવશે.
આજથી પાણી કનેકશન કાપવાની કામગીરી હાથ ધરાશે : અધિકારી
ભાવનગર મહાપાલિકામાં મિલકત વેરો નહીં ભરનારનું ઘરવેરા વિભાગે લીસ્ટ તૈયાર કર્યુ છે અને ર૧૧ બાકીદારોના પાણી કનેકશન કાપવા માટે જણાવેલ છે તેથી આવતીકાલ મંગળવારથી પાણી કનેકશન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવેલ છે.










