![]()
Maharashtra Accident : મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર આજે અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રિપોર્ટ મુજબ, હાઈવે પર કામ કરતી શ્રમિક મહિલાઓ કામ પુરુ કરીને ઘરે જવા માટે અન્ય વાહનની રાહ જોઈ રહી હતી, ત્યારે બેફામ ગતિએ આવતા એક ટ્રકે 12 મહિલા શ્રમિકોને કચડી છે, જેમાંથી 8ના મોત થયા છે, જ્યારે ચારની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના વારસદારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
મહિલાઓ ઘરે જતી હતી ત્યારે યમદૂત બનીને આવ્યો ટ્રક
આ હૃદયદ્રાવક ઘટના અંગે માહિતી આપતા જાળનાના એસપી અજય કુમાર બંસલે જણાવ્યું હતું કે, આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે શ્રમિકોનું એક જૂથ પોતાનું કામ પતાવીને ઘરે જવા માટે સાઇડ લેનમાં ઊભું રહીને રાહ જોઈ રહ્યું હતું. તે સમયે પાછળથી આવતા એક ટ્રકે અચાનક લેન બદલી નાખી હતી અને આ મજૂરોને જોરદાર ટક્કર મારી હતી. આ દુખદ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6થી 7 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસ દ્વારા અકસ્માત માટે જવાબદાર ટ્રક ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો
હાઈવે પર લાશો વિખેરાઈ
શ્રમિક મહિલાઓ એક્સપ્રેસ હાઈવે પર કામ કરી રહી હતી. આ ભયાનક અકસ્માતની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં હાઈવે પર ચારેતરફ મહિલાઓની લાશો વિખેરાયેલી પડી હતી. જે દ્રશ્ય જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી.
Maharashtra CM Devendra Fadnavis tweets, “The accident on Jalna’s Samruddhi Highway resulting in 8 deaths is extremely tragic. I pay my condolences to the victims. Our thoughts are with the families. Injured are being treated, and local administration is coordinating. District…
— ANI (@ANI) April 1, 2026
CM ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું
બીજીતરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનાને હૃદયદ્વારક ગણાવીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ‘જાળના પાસે સમૃદ્ધિ મહામાર્ગ પર થયેલા અકસ્માતમાં 8 લોકોના મોતના સમાચાર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને હું તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમજ અમે તેમના પરિવારના દુઃખમાં સહભાગી છીએ. આ ઘટનામાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સ્થાનિક પ્રશાસન સતત સંકલન સાધી રહ્યું છે જ્યારે જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક પોતે ઘટનાસ્થળે હાજર છે. ઈજાગ્રસ્તોની તબિયતમાં ઝડપથી સુધારો થાય તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર દ્વારા આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના વારસદારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.’
આ પણ વાંચો : હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે નીકળ્યા ભારતના જહાજ, જાણો સમગ્ર વિગત







