![]()
ભગવાનના લગ્નોત્સવમાં મહાલવાનો ભાવિકોમાં અપાર ઉત્સાહ : નોમ, દશમ અને અગિયારસના વાજતેગાજતે ભગવાનનું ફુલેકું નીકળશે, બારસના લગ્નોત્સવ, તેરસના પોખણાં કરાશે
માધવપુર, : માધવપુર વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવનું સાક્ષી બન્યું હતું. માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવમાં સર્વદેવી દેવતાઓ આવી ચૂકયા હોઈ માધવપુર પણ વ્રજભૂમિ તુલ્ય ગણાય છે. અહીના સમુદ્રમાં ભાઈબીજના પાવનકારી દિવસે યમુનાજી આવે છે. આથી જે લોકો મથુરા નથી જઈ શકતા એ બધા અહી યમુનાસ્નાન માટે આવે છે. આવી માધવપુરની પવિત્ર ધરા પર વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે તા. 27મીને રામનવમીથી પાંચ દિવસ ભગવાનનો લગ્નોત્સવ ઉજવાશે. ભાવિકો ભગવાનની જાનમાં જાનૈયા બનીને મહાલશે. આ પ્રસંગે પાંચ દિવસ રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય લોકમેળો યોજાશે.
અહીં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવ અને મેળાનો પ્રારંભ રામનવમીને તા. 27મીથી થશે. નોમ, દશમ, અગિયારસ એમ ત્રણ દિવસે ફુલેકુ ઠાકોરજીના નિજ મંદિરે એટલે કે માધવરાય મંદિરેથી રાત્રિના નવ વાગ્યે નીકળી મુખ્ય બજારમાં થઈ બ્રહ્મકુંડે પહોંચશે. બારસના દિવસે શ્રીકૃષ્ણ પ્રભુ નિજ મંદિરેથી વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂરે જાનૈયાઓ તથા કીર્તનકારો સાથે મધુવનમાં રૂક્ષ્મણીજી સાથે પરણવા જશે. ભગવાનનો રથ જયારે મેળા ગ્રાઉન્ડમાં પહોંચશે ત્યારે રથ સાથે શ્રીકૃષ્ણ પ્રભુને પવનવેગે દોડાવવામાં આવશે. એ વખતે આગળ સુરક્ષા દળ તથા વચ્ચે રથ અને પાછળ જાનૈયાઓ દોડે છે. આ પરંપરા પાછળનુ કારણ એ છે કે ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરી આવ્યા હતા તેથી રૂક્ષ્મણીજીનો ભાઈ રૂકમૈયો રોષે ભરાયેલો હતો. તેથી તે આક્રમણ ન કરે અને લગ્નમુહૂર્તમાં વિક્ષેપ ન પડે તે માટે દોડાવવામાં આવે છે. બીજી લોકવાયકા એ પણ છે કે કાબા લુંટેરાઓ ભગવાનની જાન લૂંટી ન લે અને મોડું ન થાય તે માટે રથ દોડાવવામાં આવે છે .
રથમાં બિરાજમાન શ્રીકૃષ્ણ વરરાજા તથા જાન મધુવનમાં પહોંચે છે પછી રૂક્ષ્મણી માતાના પિયર પક્ષના લોકો સામૈયા કરે છે. પછી વિધિવત લગ્નમંડપમાં પોખણા અને લગ્ન વિધિથી લગ્ન કરવામાં આવે છે. મંડપ મધ્યે પરણી ચૂકેલા શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને કંસાર જમાડવામાં આવે છે. તે સમગ્ર જનતામાં વિતરિત કરવામાં આવે છે. તેરસના દિવસે પરણી ચૂકેલા શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને હાથોહાથ વધાવો આપવાનો અમૂલ્ય લહાવો ભાવિકોને સવારના 10 વાગ્યા સુધી મળે છે. ત્યારબાદ શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને નિજ મંદિરે લઈ આવવામાં આવે છે. ત્યારે સમગ્ર જનતા આનંદ ઉત્સવમાં હોઈ બધા એકબીજા પર હજારો કીલો ગુલાલ ઉડાવે છે. રસ્તા પણ લાલ જાજમ પાથરી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ ઉત્સવમાં હાજરી આપવા દેશ પરદેશથી હજારો ભાવિકો સાધુ- સંતો આવે છે. માધવપુરમાં ભગવાનના લગ્નપ્રસંગે પાચ દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે. તેમાં રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.










