![]()
Israel-Iran Conflict Hits Gujarat Industry: ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી વિશ્વના ઘણાં દેશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે. ત્યારે પેટ્રોલિયમની બાય પ્રોડક્ટ સિન્થેટીક રબર મટીરિયલ્સની અસર વર્તાઈ રહી હોવાથી રબર પાર્ટ્સ બનાવતા અમદાવાદ સહિત ગુજરાતના એકમોનું પ્રોડક્શન 50 ટકા થવાથી હાલ આઈસીયુમાં ધકેલાઈ ગયાની સ્થિતિ સર્જાઈ છે. રબર પાર્ટ્સનું પ્રોડક્શન કરતા વેપારીઓએ કહ્યું કે, ‘યુદ્ધની અસરને લીધે રો-મટીરિયલ્સના ભાવમાં 50 ટકાનો વધારો થવાથી કામ કરવું અઘરું બન્યું છે. ભાવ વધારાને લીધે નવા ઓર્ડરને લઈને ઈન્ક્વાયરી આવી રહી નથી.’ ગુજરાતમાં એક મહિનાનું 400 કરોડ રૂપિયાથી વધુનું પ્રોડક્શન થતું હતું પણ હવે તે 200 કરોડ રૂપિયાથી પણ ઓછું થયું છે. વેપારીઓને કોરોના પછી બીજીવાર અસહ્ય મુશ્કેલીનો સામનો કરવાની સ્થિતિ સર્જાઈ છે.
જો યુદ્ધ બંધ થશે તો પણ હાલના વધેલા ભાવ ઘટતા છ મહિના લાગશે
કોમર્શિયલ ગેસ તથા કારીગરોની અછત સર્જાઈ છે. રો-મટીરિયલ્સના ભાવમાં થયેલા અસહ્ય વધારાને ઘટતા છ મહિનાથી વધુનો સમય લાગશે. ભાવ વધવાથી છેલ્લા પંદર દિવસથી નવા ઓર્ડર માટે કોટેશન આપી શકાતું નથી.
પેટ્રોલિયમની બાય પ્રોડક્ટ સિન્થેટીક રબર મટીરિયલ્સને યુદ્ધની અસર વર્તાઈ રહી છે
સિન્થેટીક રો-મટીરિયલ રશિયા, ચાઈના અને કોરિયાથી આવતું હતું. પરંતુ હવે આયાત ઘટી રબર પાર્ટ્સ બનાવવા માટે ઓઈલ, રબર મિનરલ્સ સહિત સિન્થેટીક રો-મટીરિયલ્સ રશિયા, ચાઈના અને કોરિયાથી આવતું હતું. હવે રો-મટીરિયલ્સ ન મળતું હોવાથી રબર પાર્ટ્સનું પ્રોડક્શન 50 ટકા જેટલું થયું છે. રો-મટીરિયલ્સના ભાવ વધવાથી હવે વેપારીઓ રોકડા પૈસાનો આગ્રહ રાખે છે.
ગુજરાતમાં 1000થી વધારે નાના-મોટા એકમો રબર પાર્ટ્સનું પ્રોડક્શન કરે છે
અમદાવાદમાં 600 એકમો સહિત અન્ય 400 એકમો સાથે ગુજરાતમાં નાના-મોટા એકમો દ્વારા પાર્ટ્સનું પ્રોડક્શન કરવામાં આવે છે. આ ઉદ્યોગથી અંદાજિત 10 હજારથી વધારે લોકો રોજગારી મેળવી રહ્યા છે. યુદ્ધને લીધે દરેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસની અછતને લીધે પરપ્રાંતીય લોકો પોતાના વતનમાં પાછા ફરી રહ્યા છે.
પ્રોડક્શન માટે કોમર્શિયલ ગેસનો સપ્લાય 50% ઘટ્યો
પ્રોડક્શન માટે જરૂરી કોમર્શિયલ એલપીજી સહિતના વિવિધ ગેસનો સપ્લાય હાલ ૫૦ ટકા ઘટી ગયો છે. વેપારીઓએ ૩૦ વર્ષમાં જેટલું કમાયા છે તેના કરતા વધારે ખોવાનો વારો આવ્યો છે.
રબરમાંથી પાંચ હજારથી વધુ પ્રોડક્ટ બને છે
રબર પ્રોડક્શનમાં સિન્થેટીક, નાઈટ્રાઈલ, નિયોપ્રીન, સિલિકોન, વ્હાઈટોન, ઓઈલ, રબર કેમિકલ અને રબર મિનરલ્સ રો-મટીરિયલ્સ તરીકે ઉપયોગ થાય છે. તેમાંથી બોરિંગ, ગાસ્કેટ, બુશ, રબર રોલર, પ્રેશર કૂકરની રિંગ, ડાયાફ્રામ, ઓટોમોબાઈલના વિવિધ પાર્ટ્સ, ડિફેન્સ, રેલવે, પાર્ટ્સ, ડેરી, ફાર્મા, ટેક્સટાઈલ મશીનરી તેમજ એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રી સહિત પાંચ હજારથી વધારે રોજિંદા જીવનમાં ઉપયોગી પ્રોડક્ટ તૈયાર થાય છે.
રબર પાર્ટ્સ મેન્યુફેક્ચરર અને વેપારીઓ શું કહે છે?
સિન્થેટીક રબર મટીરિયલ્સના કિલોના ભાવ ડબલ થયા છે. રબર એસોસિયેશન ગુજરાતના પ્રેસિડેન્ટ પિયુષ શાહનું કહેવું છે કે,’પહેલાં સિન્થેટીક રબર મટીરિયલ્સનો કિલોનો ભાવ 210 રૂપિયા હતો જે યુદ્ધને લીધે હાલ 400 રૂપિયા થયો છે. ભાવ વધવાને લીધે પ્રોડક્શન પણ ઘટી રહ્યું છે.’
યશોધર કહાતે જણાવ્યું કે, ‘સિન્થેટીક રબર મટીરિયલ પેટ્રોલિયમની બાય પ્રોડક્ટ છે. યુદ્ધને લીધે રો-મટીરિયલ્સમાં દરરોજ ભાવ વધી રહ્યા છે જેથી નવી ઈન્ક્વાયરી આવતી નથી.’
સ્નેહલ શાહે જણાવ્યું કે, ‘ભાવ વધવાથી પ્રોડક્શન એકમો ચલાવવા અઘરા બન્યા છે. રો-મટીરિયલ્સની અછત સર્જાઈ હોવાથી 50 ટકા સુધી ભાવ વધ્યા છે. યુદ્ધ હજુ લાંબુ ચાલશે તો રબર પ્રોડક્શનના એકમો ચલાવવા અઘરા બની રહેશે.’
સ્મિત કોઠારીએ જણાવ્યું કે, ‘યુદ્ધને લીધે કોમર્શિયલ ગેસની અછત થતા લેબર પર તેની અસર પડી રહી છે. આટલા વર્ષોમાં પહેલીવાર આટલી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.’










