![]()
– 34 કલાકના નિરીક્ષણ, 4 કલાકના એન્કાઉન્ટર પછી સફળતા
– હિડમા 2010માં તાડમેટલા નરસંહારથી લઈ 2021ના સુકમા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો, જેમાં 22 જવાનો માર્યા ગયા હતા
મારેદુમિલી/રાયપુર : કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૬માં દેશમાંથી માઓવાદનો સંપૂર્ણપણે સફાયો કરવાનું લક્ષ્ય રાખ્યું અને આ લક્ષ્ય પાર કરવા માટે એક પછી એક માઓવાદી બળવાખોરોનો સફાયો થઈ રહ્યો છે. આ શ્રેણીમાં સુરક્ષા દળોએ આંધ્ર પ્રદેશના મારેદુમિલી વિસ્તારમાં મંગળવારે સવારે એક અભિયાન હેઠળ એક કરોડનું ઈનામ ધરાવતા સૌથી ખતરનાક નક્સલી માડવી હિડમા સહિત ૬ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.
સુરક્ષા દળો માટે લાંબા સમયથી પડકાર બની રહેલા મોસ્ટ વોન્ટેડ નક્સલી માડવી હિડમા મંગળવારે સવારે માર્યો ગયો હતો. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણાના ટ્રાયજંક્શન વિસ્તાર પાસે મારેદુમિલીના જંગલોમાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશનમાં અનેક દિવસોની ઈન્ટેલિજન્સ વોચ, સાયલન્ટ મૂવમેન્ટ અને મિનિટ-ટુ-મિનિટ મોનિટરિંગ કરતા એક અથડામણમાં હિડમાની સાથે છ નક્સલીઓને ઠાર કર્યા હતા. ગ્રેહાઉન્ડ, ડીઆરજી અને સીઆરપીએફ કોબરા યુનિટ્સના સંયુક્ત અભિયાનમાં માડવી હિડમાની સાથે તેની પત્ની મદકમ રાજે અને અન્ય ચાર નક્સલો પણ માર્યા ગયા હતા.
આંધ્ર પ્રદેશ ઈન્ટેલિજન્સના વડા આઈપીએસ મહેશ ચંદ્ર લઢ્ઢાના જણાવ્યા મુજબ આ ઓપરેશનની શરૂઆત ગુપ્ત માહિતી મેળવ્યા પછી થઈ હતી. પોલીસને જાણવા મળ્યું કે છત્તીસગઢમાં દબાણનો સામનો કરી રહેલા નક્સલો હવે આંધ્ર પ્રદેશના સ્થાયી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ ઈનપુટ મળતા આંધ્ર પોલીસે હાઈ-ઈન્ટેન્સિટી નિરીક્ષણ શરૂ કર્યું હતું. આંધ્ર પોલીસના સતત ૩૪ કલાકના નિરીક્ષણ પછી મારેદુમિલ્લી મંડલ ક્ષેત્રમાં માઓવાદી અને સુરક્ષા દળો વચ્ચે ચાર કલાક સુધી ભયાનક ગોળીબાર થયો હતો. આ એન્કાઉન્ટરમાં સેન્ટ્રલ કમિટિ સભ્ય અને દક્ષિણ બસ્તર ફર્સ્ટ બટાલિયન કમાન્ડર માડવી હિડમા, તેની પત્ની અને અંગરક્ષકો સહિત છ નક્સલવાદી ઠાર થયા હતા.
પોલીસે કહ્યું કે, માડવી હિડમા પર કેન્દ્ર સરકારનું રૂ. ૪૫ લાખ જ્યારે છત્તીસગઢનું રૂ. ૨૫ લાખ તથા અન્ય રાજ્યોના ઈનામ સહિત કુલ રૂ. ૧ કરોડ સુધીનું ઈનામ હતું. હિડમા છેલ્લા એક દાયકામાં અર્ધલશ્કરી દળો પર ૨૬ મોટા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. હિડમા બસ્તર, સુકમા, દંતેવાડાથી લઈને મલકાનગિરી સુધી ફેલાયેલા માઓવાદી કોરીડોરમાં અનેક જીવલેણ હુમલાના કાવતરાં ઘડતો હતો, જેમાં ૨૦૧૦માં તાડમેટલા નરસંહારથી લઈને ૨૦૨૧માં સુકમા હુમલાનો સમાવેશ થાય છે, જેમાં ૨૨ સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા.
આંધ્ર પ્રદેશના સુરક્ષા દળના એકમ ગ્રેહાઉન્ડના નેતૃત્વમાં હિડમાને ઝડપી લેવાનું આયોજન કરાયું હતું અને સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સના અનેક લેવલને એન્કાઉન્ટર સ્થળ પાસે તૈનાત કરાયા હતા. સોમવારે રાતે લગભગ ૨ કલાકે ઓપરેશન શરૂ થયું હતું. એન્કાઉન્ટર સ્થળેથી બે એકે-૪૭ રાઈફલ, એક પિસ્તોલ, એક રિવોલ્વર, એક સિંગલ બોર હથિયાર, ગોળીઓ, કિટ બેગ અને અન્ય સામાન જપ્ત કરાયો હતો. બીજીબાજુ વિજયવાડા, એનટીઆર, કૃષ્ણા, કાકીનાડા અને અન્ય વિસ્તારોમાં પોલીસે સમાનાંતર કાર્યવાહી કરતા ૩૧ શંકાસ્પદ નક્સલીઓની ધરપકડ કરી હતી, તેમાં નવ નક્સલી સેન્ટ્રલ કમિટિ મેમ્બર દેવજીના સિક્યોરિટી ગાર્ડ હોવાનું જણાવાયું હતું.










