
અમદાવાદ,શુક્રવાર,22 ઓગસ્ટ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા
વિવિધ વિસ્તારમાં ૨૫ પ્લોટ નકકી કર્યા છે.નાગરિકો તેમનો કન્સ્ટ્રકશન વેસ્ટ ઉપાડવા
કોર્પોરેશનને જાણ કરશે તો રુપિયા પાંચસોમાં કન્સ્ટ્રકશન વેસ્ટ ઉપાડી લેવાશે.પરંતુ
જો તંત્રને જાણ કર્યા વિના જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ કોઈ નાગરિક નાંખશે તો રુપિયા
એક હજાર પેનલ્ટી કોર્પોરેશન વસૂલશે.જયારે કોઈ નાગરિક કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ
માટે કોઈ ખાનગી એજન્સી કે કોન્ટ્રાકટરને કામ સોંપશે અને તે કોર્પોરેશનના નિયત
પ્લોટ સિવાય કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખશે તો રુપિયા ૨૫ હજારથી લઈ એક લાખ રૃપિયા
સુધીની રકમ પેનલ્ટી સ્વરુપમાં વસૂલ કરાશે.
કોર્પોરેશન હદ વિસ્તારમાં નાગરિકો દ્વારા મકાન રીપેરીંગ કે
નવા બાંધકામ સમયે નીકળતા કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ
સિસ્ટમ અમલમાં મુકાઈ છે.જેના ભાગ રુપે નાગરિકો તેમના કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ
ઝોનલ કક્ષાએ ઓનકોલ ફરિયાદ રજિસ્ટર કરી કરાવી શકે છે.કોર્પોરેશને પ્લોટ નિયત કર્યા
પછી પણ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટ,
રેલવે લાઈન તથા અવાવરુ જગ્યામાં ,જાહેર
રસ્તા કે ફુટપાથ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખતા ઈસમો સામે દંડનીય કાર્યવાહી કરવામા
આવે છે. આમ છતાં એક જ વાહન દ્વારા અવારનવાર કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવાના કિસ્સા
કોર્પોરેશનના ધ્યાન ઉપર આવ્યા છે.આ પ્રકારના કિસ્સા બનતા અટકાવવા પ્રતિ વાહન પ્રતિ બનાવ દીઠ રુપિયા ૨૫ હજારથી રુપિયા
એકલાખ સુધીની રકમ પેનલ્ટી રૃપે વસૂલ કરવા તથા વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી
કરવા હેલ્થ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી છે.
નિયત પ્લોટ સિવાય કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ કેટલી પેનલ્ટી
થશે?
–એક વખત
વાહન પકડાશે તો રુપિયા ૨૫ હજાર પેનલ્ટી અને એક માસ માટે વાહન જપ્ત
–બે વખત
વાહન પકડાશે તો રુપિયા ૫૦ હજાર પેનલ્ટી અને ત્રણ માસ માટે વાહન જપ્ત
–ત્રણ વખત
વાહન પકડાશે તો રુપિયા એક લાખ પેનલ્ટી અને
છ માસ માટે વાહન જપ્ત










