![]()
Mathura Boat Accident: ઉત્તર પ્રદેશના મથુરામાં હૃદય હચમચાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે બપોરે વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને જોતાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે.
નદીમાં બનેલા પેન્ટૂન પુલ સાથે હોડીની ટક્કર
મળતી માહિતી મુજબ, હોડી વૃંદાવન અને માન વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજે 30 જેટલા લોકો સવાર હતા. કેસી ઘાટ પાસે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ હતી અને સંતુલન ગુમાવતા નદીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.
17 લોકોનું રેસ્ક્યૂ કરાયું
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં 17 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે 6 લોકોના જીવ બચાવી શકાયા નથી. વહીવટીતંત્રે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
16થી 17 લોકોએ બચાવી લેવાયા, મૃતકો પંજાબના રહેવાસી
આ દુર્ઘટનામાં મોટા ભાગના શ્રદ્ધાળુ પંજાબના લુધિયાણાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. સિંહે આ દુર્ઘટનાની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે બચાવ કાર્ય હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. DM સી.પી. સિંહે જણાવ્યું કે, આજે બપોરે અંદાજે 2.45 વાગ્યે યમુના નદીમાં અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. લુધિયાણાથી અંદાજે 30 શ્રદ્ધાળુઓ મથુરા આવ્યા હતા અને તેઓ બે હોડીમાં સવાર થઈને નદીમાં ફરી રહ્યા હતા. કેસી ઘાટ પાસે આમાંથી એક હોડી ડૂબી ગઈ હતી. અત્યાર સુધીમાં 6 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 16થી 17 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.









