![]()
દાયકાઓથી હરવા ફરવાનું સ્થળ હોવાથી લોકોનો આત્મીય નાતો
રોજ ૧૪ કરોડ લિટરનો તોતિંગ ઉપાડ કરીને ૬.૫૦ લાખ લોકોને પાણી વિતરણ, ગત વર્ષે ૨.૮૪ ફૂટે,આ વર્ષે ૧.૮૦ ઈંચે ઓવરફ્લો
રાજકોટ: રાજકોટમાં ઈ.સ.૧૯૫૪માં બંધાયેલો અને હાલ ૯૧૭ એમ.સી.એફટી.ની સંગ્રહક્ષમતા અને ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવતો આજી-૧ જળાશય બે દિવસથી છલોછલ ભરાયેલો હતો અને આજે ઈંચમાં છલકાયો પણ હરખ મીટરમાં છલકાયો હતો. રાજકોટની કૂલ જળમાંગ ૪૨ કરોડ લિટરને પાર થઈ છે ત્યારે આ ડેમથી ૩૩ ટકા પાણી ઉપાડાય છે અને છલકાયેલો ડેમ ૪ માસ ચાલશે તેમ મનપા સૂત્રોએ જણાવ્યું છે.
ગત વર્ષે ૨.૮૫ ફૂટનો ઓવરફ્લો થયો હતો અને આ વર્ષે માત્ર ૧.૮ ઈંચથી ઓવરફ્લો થયો છે. સિંચાઈ વિભાગ હસ્તકનો આ ડેમ પીવાના પાણી માટે અનામત છે પરંતુ, વર્ષોની માંગણી છતાં મનપાને તે સોંપવામાં આવેલ નથી. આ સ્થળ રાજકોટવાસીઓ માટે હરવા ફરવાનું એકમાત્ર રોડ ટચ સ્થળ રહ્યુ હતું જેના કારણે શહેરીજનોના અનેક બાળપણ,યુવાનીના સંસ્મરણો ડેમ વિસ્તાર સંગ્રહીને બેઠો છે.આ અન્વયે આજે નજીવો ઓવરફ્લો થતાં જ મેયર,ચેરમેન સહિત પદાધિકારીઓએ હરખ વ્યક્ત કરવા ડેમ પર પહોંચીને શ્રીફળ પધરાવીને જળદેવતાનું અભિવાદન કર્યું હતું.
મનપાસૂત્રો અનુસાર રાજકોટના ઈસ્ટઝોન વિસ્તારમાં ૬.૫૦ લાખ લોકોને આ ડેમથી પાણી વિતરણ થાય છે અને રોજ ૧૪ કરોડનો તોતિંગ ઉપાડ કરાતો હોવાથી આજે છલકાયા પછી તેમાંથી તા.૩૧ જૂન સુધી પાણીનો ઉપાડ કરી શકાશે. જો કે ડેમ સૌની યોજનાથી જોડાયેલો હોય વર્ષમાં બે વાર તે છલકાય એટલું પાણી આ યોજનાથી ઠાલવવામાં આવે છે.










