![]()
મુંબઈ : રિઝર્વ બેન્ક પાસે પડેલા કુલ ૮૮૦ ટન ગોલ્ડ રિઝર્વમાંથી ૬૫ ટકા સોનું હવે ઘરઆંગણે પડયું છે જે ચાર વર્ષ અગાઉ ૩૦થી ૩૨ ટકા જેટલુ જ હતું. યુક્રેન પર આક્રમણની સજા રૂપપશ્ચિમી દેશોએ રશિયાના રિઝર્વને જપ્ત કરી નાખતા ભારત તેનું પોતાનું બને એટલું વધુ ગોલ્ડ દેશની અંદર જ રાખવા ઈચ્છી રહ્યું છે.
દેશ પાસે ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય અંદાજે ૧૦૮ અબજ ડોલર જેટલું છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશમાં પડેલા સોનામાંથી ૬૪ ટન સોનું સ્વદેશ લાવી દેવાયું હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક તેના એકંદર ગોલ્ડ રિઝર્વનો કેટલોક હિસ્સો બેન્ક ઓફ ઈન્ગલેન્ડ તથા બેન્ક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટસ ખાતે જમા રાખે છે. સપ્ટેમ્બરના અંતે ૮૮૦ ટન સોનામાંથી ૫૭૬ ટન જેટલુ સોનુ ઘરઆંગણે સંઘરવામાં આવ્યું હતું, જે અત્યારસુધીનું સૌથી વધુ છે. ૨૦૨૨ના સપ્ટેમ્બરના અંતે રિઝર્વ બેન્ક પાસે કુલ ગોલ્ડ રિઝર્વમાંથી ૩૮ ટકા સોનુ ઘરઆંગણે રહ્યું હતું.
વિદેશમાંથી ઘરઆંગણે શા માટે વધુ સોનુ પરત લવાઈ રહ્યું છે તેની રિઝર્વ બેન્ક દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ પશ્ચિમી દેશો દ્વારા તાજેતરમાં રશિયા વિરુદ્ધ સખતાઈના ભાગરૂપ તેના રિઝર્વને જપ્ત કરી દેવાના પગલાંથી ભારત સાવચેતી રાખી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વર્તમાન વર્ષમાં વિવિધ કેન્દ્રીય બેન્કોની સાથોસાથ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ સોનાની ઊંચી ખરીદી કરી છે. વિશ્વ બજારમાં વોલેટિલિટીના કાળમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવા આ ખરીદી કરવામાં આવી રહી છે.










