![]()
વડોદરા, તા.30 વડોદરા મેમુ કાર શેડની એક બંધ રૃમનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ થયો છે. રેલવે પોલીસે આજે સાંજે આરપીએફ પોઇન્ટની નજીકમાં જ આવેલી ઓરડીમાં દરોડો પાડી મોટા જથ્થામાં દારૃની પેટીઓ ઝડપી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે પીસીબીએ કારેલીબાગ વિસ્તારમાંથી દારૃનો જથ્થો લઇને જતા એક શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં રેલવે યાર્ડના એક ગોડાઉનમાંથી દારૃનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આ અંગેની જાણ રેલવે પોલીસને કરાતા રેલવે એલસીબી સ્ટાફે પણ દારૃના ગોડાઉનની શોધખોળ હાથ ધરી હતી. વડોદરા રેલવે સ્ટેશનથી ઉત્તર તરફ ત્રણ કિ.મી. દૂર મેમુ યાર્ડમાં એક બંધ રૃમમાં દારૃનો જથ્થો છે તેવી માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
રેલવેની માલિકીનો રૃમ બંધ હતો જેથી પોલીસે તેનું તાળું તોડીને તપાસ કરતાં અંદર પ્લાસ્ટિકમાં વિંટાળેલી દારૃની પેટીઓ મળી હતી. રેલવેની માલિકીની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાનું જાણી પોલીસ પણ ચોકી ગઇ હતી. પોલીસે આશરે ૧૫૦ જેટલી દારૃની પેટીઓ કબજે કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે નજીકમાં જ આરપીએફનો પોઇન્ટ છે તેમજ મેમુ ટ્રેનની સર્વિસ અને રિપેરિંગ આ સ્થળે થાય છે જેના પગલે અવરજવર રહેતી હોવા છતાં દારૃનો જથ્થો રેલવેની ઓરડીમાં સંતાડી તેનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો.
રેલવેના કર્મચારી કે આરપીએફના કોઇ કર્મચારીની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હાલમાં રૃબીન ઉર્ફે કટે શેખની શોધખોળ હાથ ધરી છે. તે ઝડપાયા બાદ અન્ય કોની સંડોવણી છે તે વિગતો બહાર આવવાની શક્યતા છે. પોલીસે જણાવ્યું હતું કે રુબીન શેખ રેલવે કર્મચારી હતો અને સિગ્નલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો તેની વિરુધ્ધ અનેક ગુનાઓ પણ નોંધાયા છે અને તાજેતરમાં જ તેને પાસા થઇ હતી.










