![]()
જરોદ,વડોદરાથી આજવા જતી સિટિ બસ આગળ જતી સિટિ બસને રવાલ ચોકડી પાસે અક્સમાત નડયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ૭ મુસાફરોને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વાઘોડિયા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે બપોરે એક સિટિ બસ વડોદરાથી આજવા તરફ જતી હતી. તે દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યે રવાલ ગામના ત્રણ રસ્તા નજીક આગળ જતી ટ્રકમાં બસ પાછળથી અથડાતા રોડની બાજુમાં ગટરમાં પલટી ગઇ હતી. બસામાં બેઠેલા મુસાફરોની બૂમાબૂમથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બસ ડ્રાઇવરની બેદરકારીથી થયેલા અકસ્માતમાં વાઘોડિયા તાલુકાના જૂના રામપુરા ગામમાં રહેતા ચંપાબેન મહેશભાઇ વસાવાનું મોત થયું હતું. જ્યારે બસના કંડક્ટર અને ડ્રાઇવરને નજીવી ઇજા થઇ હતી. જ્યારે અન્ય ૭ મુસાફરોને ઇજા થતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં (૧) માલતીબેન અનિલભાઇ પટેલ (રહે.અંબિકા દર્શન સોસાયટી, આજવા રોડ) (૨) ધીરજબેન ગોવિંદભાઇ પાટણવાડિયા (રહે.મથુરનગર, આજવા ગામ) (૩) રમીલાબેન રેવાનદાસ વસાવા (૪) કપીલાબેન જેેંતિભાઇ વસાવા (૫) વિદ્યાબેન મોગાભાઇ વસાવા (૬) અનિતા રમેશભાઇ વસાવા ( તમામ રહે. જૂના રામપુરા, વાઘોડિયા તથા (૭) મુકેશ મગનભાઇ ડામોર (રહે. દાહોદ) નો સમાવેશ થાય છે. બે મુસાફરોના દાંત તૂટી ગયા હતા. જ્યારે અન્યને હાથ અને પગ પર ઇજા પહોંચી હતી.










