![]()
Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખિસકોલી સર્કલ નજીક બનેલા વુડાના ગુલાબી મકાનો છેલ્લા 10 થી વધુ વર્ષથી 60 ટકા જેવા પડ્યા છે. જર્જરિત જેવી હાલતમાં ખાલી પડેલા આ મકાનો પાસે ગટરો ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું જોવાના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.
અગાઉ મકાનો ફરતે 10 જેટલા સિક્યુરિટી ગાર્ડ મુકવાની વાતો પોકળ સાબિત થઈ હોવાના આક્ષેપોનો વિડીયો વાયરલ થયો હતો. તંત્ર દ્વારા ગરીબોના ઝૂંપડા છીનવી લેવાયા છતાં પણ કોઈને મકાનો ફાળવાયા નથી. રાજકારણીઓ માત્ર વોટ લેવા આવે છે અને ત્યારબાદ દેખાતા નથી. બહેન-દીકરીની સલામતી પણ શંકાના દાયરામાં હોવાથી બહાર નીકળતા બહેન દીકરીઓને ખૂબ બીક લાગે છે. અસામાજિક તત્વો પીધેલી હાલતમાં ગમે તેવી લવારી કરતા હોય છે. ઉપરાંત ક્યારેક ઠઠ્ઠા-મશ્કરી પણ આવા તત્વો કરતા હોય છે. છેલ્લા 10 થી વધુ વર્ષથી ખાલી પડેલા મકાનો આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે. અનેક મકાનોની ગટરો ઉભરાતી હોવાના કારણે ગંદકી અને દુર્ગંધના લીધે વિસ્તારમાંથી પસાર થવું પણ રોગને આમંત્રણ આપવા જેવું છે. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એ અગાઉ યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ છે.










