Voter Adhikar Yatra: આજે સવારે બિહારના કટિહાર જિલ્લાના કુરસેલાથી સવારે આઠ વાગ્યે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા શરુ કરી. આ યાત્રા દરમિયાન લોકસભાના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખેતરોમાં જઈને મખાનાના ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ વિષે જાણકારી મેળવી.
રાહુલ ગાંધીએ મખાનાના ખેડૂતોની સમસ્યાઓ જાણી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રાના સાતમા દિવસની શરૂઆત ભાગલપુરના નવગછિયાથી શરૂ થઈ હતી. જ્યારે યાત્રા કટિહારના કોઢા વિધાનસભા ક્ષેત્રમાં પહોંચી, ત્યારે તેઓ સ્થાનિક મખાનાના ખેડૂતોને મળ્યા. આ દરમિયાન તેઓ ખેડૂતો સાથે તળાવમાં પણ ઊતર્યા અને મખાના કાઢ્યા. આ પ્રક્રિયામાં તેમણે ખેડૂતો પાસેથી મખાના તૈયાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે પણ માહિતી લીધી. રાહુલ ગાંધીએ ખેડૂતોની સમસ્યાઓ પણ જાણી. આ સમયે તેમની સાથે બિહાર કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ રામ પણ હાજર હતા.
વોટર અધિકાર યાત્રામાં મહાગઠબંધનના દિગ્ગજ નેતાઓ જોડાશે
રાહુલ ગાંધી યાત્રા દરમિયાન સતત લોકોને મળી રહ્યા છે. ભીડને જોતા, પ્રશાસન અને પોલીસ સંપૂર્ણપણે એલર્ટ છે. તેમજ આ યાત્રામાં બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સાથે મહાગઠબંધનમાં સામેલ અન્ય દળોના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. તેમજ આ યાત્રાના ત્રીજા તબક્કામાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ 26 અને 27 ઓગસ્ટે આ યાત્રામાં જોડાશે. આ ઉપરાંત, ત્રીજા તબક્કામાં યુપીના પૂર્વ સીએમ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ સામેલ થશે.
આ પણ વાંચો: દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી
મતદાતાઓના હક માટે 1300 કિલોમીટરની યાત્રા
રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા 17 ઓગસ્ટે બિહારના સાસારામથી શરૂ થઈ છે. આ યાત્રામાં ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ આરજેડીના નેતા તેજસ્વી યાદવ સહિત તમામ દળોના નેતાઓ પણ સામેલ છે. 16 દિવસની આ યાત્રા લગભગ 20 જિલ્લાઓમાંથી પસાર થશે અને 1300 કિલોમીટરનું અંતર પૂરું કરશે. પહેલી સપ્ટેમ્બરે પટનામાં એક મોટી રેલી સાથે આ યાત્રાનું સમાપન થશે.











