![]()
Police Encounter Near Shamlaji: ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ(GujCTOC)ના ગુનામાં વોન્ટેડ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સાથે સંકળાયેલા રીઢા ગુનેગાર સુખલાલ ઉર્ફે શાકાજી ડાંગીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે ફિલ્મી સ્ટાઈલે હુમલો કર્યો હતો. અરવલ્લી જિલ્લાના શામળાજી ચેકપોસ્ટ પાસે આરોપીએ પોલીસ ડ્રાઈવરનું ગળું ટૂંપતા સર્જાયેલી અફરાતફરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં આરોપીના કાંડાના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો છે.
ઉદયપુરથી ધરપકડ કરી લાવતી વખતે હુમલો
સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે ગાંધીનગરના ગુજસીટોક અને દારૂબંધીના કેસમાં વોન્ટેડ સુખલાલ ઉર્ફે શાકાજી ડાંગીને ગત 12 માર્ચના રોજ રાજસ્થાનના ઉદયપુરના પ્રતાપનગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો. શુક્રવારે(13 માર્ચ) સવારે પોલીસ ટીમ કારમાં આરોપીને લઈને ગુજરાત આવી રહી હતી. જેમાં આરોપીને હાથકડી પહેરાવી પાછળની સીટ પર બે પોલીસ જવાનોની વચ્ચે બેસાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ
ચાલુ ગાડીએ હથકડી વડે ગળું ટૂંપ્યું
આજે શુક્રવારે સવારે 11:25 વાગ્યાની આસપાસ જ્યારે પોલીસની કાર શામળાજી RTO ચેકપોસ્ટ પસાર કરી રહી હતી, ત્યારે અચાનક પાછળ બેઠેલા આરોપી સુખલાલે હિંસક વલણ અપનાવ્યું હતું. તેણે હથકડી વડે ગાડી ચલાવી રહેલા હેડ કોન્સ્ટેબલ જગદીશના માથા પર પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ હથકડીની સાંકળ તેમના ગળામાં નાખી ગળું ટૂંપવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવર પર હુમલો થતા ચાલુ ગાડીમાં જીવનું જોખમ ઊભું થયું હતું અને કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટરે કર્યું ફાયરિંગ
આ દરમિયાન બાજુની સીટ પર બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપીને ચેતવણી આપી હતી, પરંતુ આરોપી વધુ ઉશ્કેરાઈને હુમલો ચાલુ રાખતા આખરે ઇન્સ્પેક્ટરે પોતાની સર્વિસ ગન કાઢી આરોપીના જમણા હાથને નિશાન બનાવી એક રાઉન્ડ ફાયર કર્યો હતો. ગોળી સુખલાલના કાંડામાં વાગીને આરપાર નીકળી ગઈ હતી અને ગાડીના પાછળના દરવાજામાં વાગી હતી. આ દરમિયાન કાર રોડ સાઈડની રેલિંગ સાથે ઘસાઈને ઊભી રહી ગઈ હતી.
આ પણ વાંચો: પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR
આરોપી હિંમતનગર સિવિલમાં દાખલ
આ ઘટનામાં ઇજાગ્રસ્ત પોલીસ જવાન અને આરોપીને તાત્કાલિક શામળાજી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી આરોપીને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરાયો છે. શામળાજી પોલીસે આરોપી વિરુદ્ધ સરકારી કર્મચારી પર હુમલો, ગંભીર ઈજા પહોંચાડવાનો પ્રયાસ અને ફરજમાં રુકાવટ બદલ નવી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










