![]()
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવનનો સર્વે : સૌથી ચિંતાજનક પાસું સામાજિક દબાણ, સંતાનોના રિઝલ્ટને લઈને 66 ટકા વાલીઓને ‘સોશિયલ ઈમેજ’ની વધુ ચિંતા !
રાજકોટ, : રાજકોટ સહિત રાજ્યમાં હાલ ધો. 10-12ની મહત્વપૂર્ણ પરીક્ષા ચાલી રહી છે, જે માત્ર વિદ્યાર્થીઓની જ નહીં, પણ વાલીઓની ધીરજ અને માનસિક સ્થિતિની પણ કસોટી કરી રહી છે. આવા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવનનાં વિદ્યાર્થીઓએ કરેલા એક ચોંકાવનારા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, સંતાનોના રિઝલ્ટને લઈને વાલીઓ ભારે માનસિક દબાણ અને ‘સોશિયલ ઈમેજ’ની ચિંતામાં જીવી રહ્યા છે. 1233 વાલીઓ પર કરાયેલા આ મનોવૈજ્ઞાાનિક સર્વેના પરિણામો લાલબત્તી સમાન છે.
ખાસ સર્વે મુજબ, 63% વાલીઓ પરીક્ષા દરમિયાન માથાનો દુખાવો, એસિડિટી અને બ્લડ પ્રેશર જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મનોવિજ્ઞાાનની ભાષામાં તેને ‘સાયકોસોમેટિક’ લક્ષણો કહેવામાં આવે છે, જેમાં મનનો અતિશય તણાવ શરીર પર બીમારી બનીને દેખાય છે. આ ઉપરાંત, 54% વાલીઓએ સ્વીકાર્યું છે કે પરીક્ષા નજીક આવતા તેમના સ્વભાવમાં ચીડિયાપણું અને અકળામણ વધી જાય છે.
સૌથી ચિંતાજનક પાસું સામાજિક દબાણનું છે. 66% વાલીઓને એવો ડર લાગે છે કે જો સંતાનને ઓછા ટકા આવશે તો સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખરડાશે. જ્યારે પડોશીઓ કે સંબંધીઓ બાળકની તૈયારી વિશે પૂછે છે, ત્યારે ૪૦% વાલીઓ સંકોચ કે ક્ષોભ અનુભવે છે. આ આંકડા દર્શાવે છે કે વાલીઓ બાળકના ભવિષ્ય કરતા ‘લોકો શું કહેશે’ તે બાબત પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ પર અદ્રશ્ય દબાણ ઊભું કરે છે. જે બાબતમાં નિષ્ણાતોનો મત છે કે, તણાવગ્રસ્ત વાલીઓ તણાવગ્રસ્ત સંતાનોનું નિર્માણ કરે છે
ખાસ સર્વેના વિશ્લેષણ મુજબ, વાલીઓ પોતે પણ પોતાનો તણાવ ઘટાડવા યોગ, સંગીત કે વોકિંગ જેવી પ્રવૃત્તિઓ કરતા નથી (63% ના કહી). જો વાલી પોતે શાંત અને સકારાત્મક રહેશે, તો જ વિદ્યાર્થી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકશે. વાલીઓએ સમજવાની જરૂર છે કે પરીક્ષાનું પરિણામ એ જિંદગીનું અંતિમ પરિણામ નથી.









