![]()
આપવિતી દર્શાવતો અને મદદની માંગ સાથેનો વિડીયો વાયરલ થયો હતો
સુરેન્દ્રનગર – નેપાળના કાઠમંડુમાં સોશિયલ મિડીયા પર પ્રતિબંધના મામલે જનરેશન-જી આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં ગુજરાત, યુપી, બિહાર, પંજાબ સહિતના અનેક ભારતીય મુસાફરો ફસાયા છે. ત્યારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા દંપતિ પણ ફરવા ગયા બાદ કાઠમંડુમાં ફસાયા હતા અને વિડિયો વાયરલ કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી. પરંતુ સરકાર દ્વારા ફસાયેલ દંપતિને માત્ર હૈયાધારણા આપવામાં આવી હતી અને અંતે ફસાયેલ દંપતીએ જાતે જ રસ્તો કાઢી કાઠમંડુથી ગોરખપુર સુધી ફલાઈટમાં રવાના થયા હતા અને હાલ ગોરખપુર સુધી સહી સલામત પહોંચ્યા છે.
દંપતિએ ગોરખપુર સુધી ફલાઈટની ટિકિટ બુક કરાવી, આજે રાત્રે ગોરખપુરથી ટ્રેન મારફતે સુરેન્દ્રનગર આવવા રવાના થશે
નેપાળના કાઠમંડુમાં હિંસા ફાટી નીકળી છે અને હજુ પણ ત્યાં અજંપા ભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે . જે દરમિયાન રતનપર લબ્ધીનગરમાં રહેતા દંપતિ વિરમભાઈ ડાભી અને ગૌરીબેન ડાભી ગત તા.૦૪ સપ્ટેમ્બરના રોજ રતન પરથી નીકળ્યા બાદ અલગ-અલગ સ્થળોએ ફરીને તા.૯ સપ્ટેમ્બરના રોજ કાઠમંડુ પહોંચ્યા હતા અને ત્યાં ગૌશાળા આશ્રમમાં તેમના સહિત રાજ્યના અલગ-અલગ ૨૦૦થી વધુ પ્રવાસીઓ રોકાયા હતા. જે સમયગાળા દરમિયાન હિંસા ફાટી નીકળતા લોકોના ટોળાંએ પ્રવાસીઓને બહાર કાઢી આશ્રમને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવતો અને આપવીતી તેમના વેદના જણાવતો વિડિયો ફસાયેલ વિરમભાઈ ડાભીએ જાતે જ સોશિયલ મિડીયામાં વાયરલ કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી. પરંતુ વિડિયો વાયરલ કર્યાના એક દિવસ બાદ પણ સરકાર કે કોઈ અધિકારી મદદે પહોંચ્યા નહોતા અને અંતે ફસાયેલ દંપતિએ જાતે જ ફલાઈટની તારીખ અને સમય જોઈ ટિકિટ બુક કરાવી કાઠમંડુથી ગોરખપુર સુધી પહોંચ્યા છે. તેમજ આજે તા.૧૨ સપ્ટેમ્બરના રોજ રાતના ગોરખપુરથી ટ્રેન મારફતે સુરેન્દ્રનગર તરફ આવવા રવાના થશે અને તા.૧૪ સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર આવી પહોંચશે.
કાઠમંડુમાં ફસાયેલા દંપતિને એરપોટ સુધી જવાની મસમોટી રકમ ચુકવવી પડી
કાઠમંડુમાં ફસાયેલ રતનપરના દંપતિની વહારે સરકાર કે કોઈ તંત્ર આવ્યું નહોતું અને અંતે દંપતિ જે જગ્યાએ રોકાયા હતા તે રામાનામ હોટલથી કાઠમંડુ એરપોર્ટ સુધી ટેક્ષી મારફતે જવા માટે પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે રૃા.૪૦૦૦ જેટલું ભાડું ચુકવવાનો વારો આવ્યો.
સરકાર દ્વારા ફસાયેલ દંપતિની મદદની મોટીમોટી વાતો કરવામાં આવી પરંતુ મદદે કોઈ ન આવ્યું હોવાની ફરિયાદો.
રતનપરના ફસાયેલ દંપતિએ પોતાની વેદના અને આપવીતી દર્શાવતો વિડિયો વાયરલ કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરતા અંતે દંપતિને જાતે જ જીવના જોખમે વતનની વાટ પકડવાનો વારો આવ્યો હતો અને ગોરખપુર સુધી ફલાઈટમાં આવી પહોંચ્યા છે.










