![]()
ટીપી સ્કીમ નંબર ૨૯ના વિસ્તારમાં લોકોને હાલાકી
ત્રણ વર્ષથી કામ અધુરૃ છોડી દેવાતાં રહેવાસીઓમાં આક્રોશ ઉભરાતી ગટરની સમસ્યાનું પણ કોઇ નિવારણ કરાયું નથી
ગાંધીનગર : ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સતત વધી રહેલા વસવાટ સામે
માળખાકીય સુવિધાની વાતે તંત્રની બેદરકારી હવે રોષનું કારણ બની છે. ટીપી સ્કીમ નંબર
૨૯ના વિસ્તારમાં લોકો હાલાકી વેઠી રહ્યાં છે. અહીં સરગાસણમાં મેટલકામ કરાયા પછી
રોડ ઉપર ડામર કાર્પેટ કરવામાં આવી નથી. ત્રણ વર્ષથી કામ અધુરૃ છોડી દેવાયુ હોવાથી
રહેવાસીઓમાં આક્રોષ ફેલાયો છે. વધુમાં ઉભરાતી ગટરની સમસ્યાનું પણ કોઇ નિવારણ
કરાયું નથી.
શહેરના ૩૦ સેક્ટરની બહાર પણ પાટનગર વિકસી ગયાને બે દાયકા
થવા આવ્યા છે. હવે તો ગામડાઓને પણ શહેરમાં સામેલ કરી દેવાયાને વખત વીતી ગયો છે.
ન્યુ ગાંધીનગર હાલમાં ધમધમતો વિસ્તાર બની ચૂક્યો છે. ત્યારે સરગસણમાં આવેલી શ્રીજી
સ્વસ્તિક અને પ્રમુખ ઓરીજીન સહિતની સોસાયટીઓને જોડતા રોડની હાલત ગામડાને પણ શરમાવે
તેવી જોવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓના જણાવવા પ્રમાણે સોસાયટીમાં જવા-આવવા
માટેના મુખ્ય રસ્તો ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે. રોડ મંજુર કરીને મેટલકામ કરી
દેવામાં આવ્યા પછી ડામર કાર્પેટ કરવામાં આવી નથી, કે નથી સીસી રોડ બનાવવામાં આવ્યો. પરિણામે રોડ વાહન
વ્યવહારને લાયક જ રહ્યો નથી. છાશવારે ટુ વ્હિલ ચાલકો સ્લીપ થઇને અકસ્માતનો ભોગ બને
છે. વધારામાં રસ્તાના ડિવાઇડર બાદની એક બાજુને બંધ કરી દેવામાં આવી હોવાથી ભારે
સમસ્યા સર્જાઇ રહી છે. આટલું ઓછું હોય તેમ અહીં લાંબા સમયથી ગટર ઉભરાઇ રહી છે. ગંદા
પાણીમાંથી ચાલવાની મજબુરીના કારણે જાહેર આરોગ્ય પર પણ જોખમ તોળાઇ રહ્યાનું જણાવતા
સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે અમે તમામ ટેક્સ ભરતા હોવા છતાં ગુડા કે મહાપાલિકાના
તંત્રે સુવિધા આપી નથી.










