![]()
અમદાવાદ,ગુરૃવાર
શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનને ક્રાઇમબ્રાંચ અને સીબીઆઇની ઓળખ આપીને મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરીને ૧.૩૬ કરોડની છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે છ આરોપીઓની ધરપકડ કરી કરી છે. ઝડપાયેલા આરોપી પૈકીનો મુખ્ય આરોપી ટેલીગ્રામ ચેલન દ્વારા ચાઇનીઝ ગેંગના સંપર્કમાં રહેતો હતો. જે અમદાવાદ ઉપરાત, ગુજરાતના અન્ય શહેરોમાં કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને છેતરપિંડીના નાણાં જમા કરાવીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.
સેટેલાઇટમાં રહેતા એક સિનિયર સીટીઝન વિરૃદ્ધ મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને સીબીઆઇ , સુપ્રિમ કોર્ટ અને અન્ય તપાસ એજન્સીના નામે વિડીયો કોલ કરીને તેને ડીજીટલ એરેસ્ટ કરીને રૃપિયા ૧.૩૬ કરોડ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર સી ટી દેસાઇ અને તેમના સ્ટાફે ટેકનીકલ એનાલીસીસ અને નાણાંકીય વ્યવહાર અંગે તપાસ કરી હતી. જેના આધારે જાણવા મળ્યું હતું કે ગુરૃકુળ રોડ પર આવેલી બંધન બેંકમાં નાણાંકીય વ્યવહારના નાણાં જમા થયા હતા. સાથેસાથે પોલીસે નિશાંત રાઠોડ (રહે.શાશ્વત મહાદેવ-૩, વસ્ત્રાલ), યશ પટેલ (રહે. વ્રજવાટીકા-૩, દ્વારકેશ ફાર્મ, વસ્ત્રાલ),કુલદીપ જોશી (રહે.નવદુર્ગા સોસાયટી, નરોડા), હિતેષ ચૌધરી (રહે. નવદુર્ગા સોસાયટી, નરોડા), સિદ્ધરાજ ચૌહાણ અને જગદીશ ચૌધરી (રહે.ધાનેરા, બનાસકાઠા)ની ધરપકડ કરી હતી.
આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે જગદીશ ચૌધરી સ્થાનિક ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે. જે ગુજરાતમાં સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. આ કેસમાં નિશાંત રાઠોડે યશ પટેલના કહેવાથી ગુરૃકુળ રોડ પર આવેલી બંધન બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેની સાથે નવુ ખરીદેલુ સીમ કાર્ડ કનેક્ટ કર્યું હતું. જેના બદલામાં નિશાંતને કમિશન આપ્યું હતું. જે એકાઉન્ટને કુલદીપ અને સિદ્ધરાજસિંહને ઓપરેટ કરવા આપ્યું હતું. જ્યારે હિતેષ ચૌધરી મોબાઇલ ફોન પોતાની પાસે રાખીને ઓટીપી લેતો હતો. જેથી નાણાંકીય વ્યવહાર અંગે માહિતી મળતી હતી. આ તમામ માહિતી હિતેષ ચૌધરી જગદીશને આપતો હતો. જ્યારે જગદીશ ટેલીગ્રામ ચેનલની મારફતે ચાઇનીઝ ગેંગના સંપર્કમાં રહીને બેંક એકાઉન્ટની વિગતો મોકલી આપતો હતો અને ચાઇનીઝ ગેંગ સીંગાપોર કે અન્ય કંબોડિયામાં રહીને બેંક એકાઉન્ટમાં લોગઇન કરીને નાણાં ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરતા હતા. જગદીશ ચૌધરી અમદાવાદ ઉપરાંત, અન્ય શહેરોમાં પણ ગેંગ ચલાવતો હતો.
ચાઇનીઝ ગેંગ ભારતમાં સક્રિય એજન્ટોને ક્રિપ્ટોમાં પેમેન્ટ કરતા હતા
ચાઇનીઝ ગેેંગ સીંગાપોર અને કંબોડિયામાં તેમના સાગરિતોની મદદથી મળીને સમગ્ર કૌભાંડ ચલાવે છે. ત્યાં આવેલા ખાસ રૃમમાં તે મુંબઇ સાયબર ક્રાઇમ, સુપ્રિમ કોર્ટ,સીબીઆઇના નામે કોલ કરવામાં આવે છે. આ માટે ભારતમાં યુવાનોને ત્યાં નોકરી પર રાખતા હતા . જે વિડીયો કોલથી ડીજીટલ એરેસ્ટ કરે છે. બાદમાં નાણાંનો વ્યવહાર થતા નાણાં ભારતમાથી ક્રિપ્ટો ચેઇનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલુ જ નહી ચાઇનીઝ ગેગ તેના માટે ભારતમાં કામ કરતા લોકોને કમિશન પણ ક્રિપ્ટો દ્વારા જ આપે છે. જેના કારણે પોલીસને આરોપીઓ પાસેથી નાણાંકીય કમિશન અંગે વિગતો એકઠી કરવામાં મુશ્કેલી પડે છે.










