![]()
મુંબઈ : ભારતનો આર્થિક-જીડીપી વૃદ્વિનો ત્રિમાસિક આંક ૮.૨ ટકા પ્રોત્સાહક જાહેર થતાં અને ફુગાવા અંકુશમાં રહેતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી(એમપીસી)ની મળનારી મીટિંગમાં આ વખતે વ્યાજ દરમાં ૦.૨૫ ટકા ઘટાડો અપેક્ષિત હોવા છતાં અમુક વર્ગ જીડીપીના મજબૂત આંકડાએ આરબીઆઈ વ્યાજ દર ઘટાડવાનું આ વખતે ટાળશે એવો અંદાજ મૂકવા લાગતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો તૂટીને નવી રેકોર્ડ નીચી સપાટીએ આવી જતાં ફંડો, મહારથીઓએ આજે ભારતીય શેર બજારોમાં ઈન્ટ્રા-ડે સેન્સેક્સ, નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યા બાદ પાછા ફર્યા હતા. ઓટોમોબાઈલ કંપનીઓના નવેમ્બર મહિનાના વાહનોના વેચાણના આંકડા પ્રોત્સાહક આવતાં ફંડોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં મોટી ખરીદી કર્યા સાથે મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી કરી અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પસંદગીનું વેલ્યુબાઈંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ શરૂઆતમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો.
સેન્સેક્સ આરંભમાં ૮૬૧૫૯ નવો રેકોર્ડ સજીૅ પાછો ફરી નેગેટીવ ઝોનમાં : રૂપિયો પટકાતા શેરોમાં સેલિંગ
સેન્સેક્સ આરંભમાં ૪૫૨.૩૫ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૬૧૫૯.૦૨ નવી ઊંચાઈનો વિક્રમ સ્થાપ્યો હતો. પરંતુ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી પતનના માર્ગે પટકાઈને ઐતિહાસિક નવી નીચી સપાટીએ ખાબકતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો માટે હવે એનએસડીએલ પર ઓડીઆઈ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાના અહેવાલે ફોરેન ફંડોનું ઉછાળે હેમરિંગ થયું હતું. જેથી વધ્યામથાળેથી કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર-ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં ઉછાળો ધોવાઈ જઈ સેન્સેક્સ નીચામાં ૮૫૪૮૯.૬૫ સુધી આવી અંતે ૬૪.૭૭ પોઈન્ટ ઘટીને ૮૫૬૪૧.૯૦ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ઉછળીને ૨૬૩૨૫.૮૦ નવો ઊંચાઈનો રેકોર્ડ બનાવી પાછો ફરી નીચામાં ૨૬૧૨૪.૨૦ સુધી આવી અંતે ૨૭.૨૦ પોઈન્ટ ઘટીને ૨૬૧૭૫.૭૫ બંધ રહ્યો હતો.
નવેમ્બરના વેચાણ આંકડાએ ઓટો શેરોમાં ટીવીએસ રૂ.૧૩૦, હ્યુન્ડાઈ રૂ.૬૭, મારૂતી રૂ.૨૨૨ ઉછળ્યા
નવેમ્બર મહિનાના વાહનોના વેચાણ આંકડાએ ઓટોમોબાઈલ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ટીવીએસ મોટર રૂ.૧૨૯.૫૫ ઉછળીને રૂ.૩૬૬૨.૫૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૬૭.૪૦ વધીને રૂ.૨૩૯૩.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૧૨૧.૬૫ વધીને રૂ.૬૨૯૫.૫૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૯૦ વધીને રૂ.૩૬૩.૭૫, મારૂતી સુઝુકી રૂ.૨૨૧.૯૦ વધીને રૂ.૧૬,૧૧૬, એક્સાઈડ રૂ.૫.૦૫ વધીને રૂ.૩૭૯.૯૦, બોશ રૂ.૩૭૪.૦૫ વધીને રૂ.૩૬,૪૬૨.૨૦, આઈશર મોટર્સ રૂ.૬૯.૪૦ વધીને રૂ.૭૧૨૪.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૯૬.૧૮ પોઈન્ટ વધીને ૬૨૨૩૬.૧૯ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી : હિન્દુસ્તાન ઝિંક, એનએમડીસી, વેદાન્તા વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૪.૨૦ વધીને રૂ.૪૯૯.૬૫, એનએમડીસી રૂ.૧.૪૬ વધીને રૂ.૭૫.૪૦, વેદાન્તા રૂ.૭.૮૫ વધીને રૂ.૫૩૩.૧૫, નાલ્કો રૂ.૩.૮૦ વધીને રૂ.૨૬૩.૮૦, એપીએલ અપોલો રૂ.૧૫.૭૦ વધીને રૂ.૧૭૩૪.૯૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭.૪૫ વધીને રૂ.૧૧૬૭.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૦ પોઈન્ટ વધીને ૩૪૩૦૨.૦૭ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૨૮૦ પોઈન્ટ તૂટયો : ન્યુલેન્ડ લેબ., બ્લિસજીવીએસ, મેક્સ હેલ્થ, ગ્લેક્સો ફાર્મા ગબડયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બ્લિસજીવીએસ રૂ.૧૦.૪૦ તૂટીને રૂ.૧૫૫.૮૫, ન્યુલેન્ડ લેબ. રૂ.૭૬૮.૯૫ તૂટીને રૂ.૧૬,૫૭૧.૭૫, મેક્સ હેલ્થ રૂ.૩૮.૬૦ ઘટીને રૂ.૧૧૨૪.૪૫, સિગાચી રૂ.૧.૧૮ તૂટીને રૂ.૩૭.૦૭, ગ્લેક્સો ફાર્મા રૂ.૭૧.૯૫ ઘટીને રૂ.૨૪૯૪.૭૦, રેઈનબો રૂ.૩૧.૦૫ ઘટીને રૂ.૧૩૨૯, ઈપ્કા લેબ. રૂ.૩૧.૬૫ ઘટીને રૂ.૧૪૨૧.૫૦, આરપીજી લાઈફ રૂ.૪૮.૩૦ ઘટીને રૂ.૨૨૨૮.૨૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૭૯.૯૦ પોઈન્ટ ઘટીને ૪૪૬૦૩.૯૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૩૪૮ પોઈન્ટ ઘટયો : વ્હર્લપુલ રૂ.૮૫, બાટા રૂ.૨૫, બર્જર પેઈન્ટ રૂ.૧૨ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે ફંડોએ વેચવાલી કરી હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૮૫.૨૫ ઘટીને રૂ.૯૯૧.૭૦, બાટા ઈન્ડિયા રૂ.૨૫.૧૦ ઘટીને રૂ.૯૭૪.૪૦, બર્જર પેઈન્ટ રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૫૫૫.૭૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨૧.૭૫ ઘટીને રૂ.૭૦૭૧.૭૫, વોલ્ટાસ રૂ.૧૬.૬૦ ઘટીને રૂ.૧૩૫૯.૭૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૪૭.૮૩ પોઈન્ટ ઘટીને ૬૧૫૨૦.૩૯ બંધ રહ્યો હતો.
આરબીઆઈ મીટિંગ પૂર્વે બેંકિંગ શેરોમાં કોટક બેંક રૂ.૨૪ વધીને રૂ.૨૧૪૮ : જેએમ ફાઈ. ઉંચકાયો
જીડીપી વૃદ્વિના ત્રિમાસિક આંક ૮.૨ ટકા મજબૂત આવ્યા સાથે ફુગાવો અંકુશમાં રહેતાં આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દરમાં ઘટાડાની બહુમતી વર્ગની અપેક્ષા સામે અમુક વર્ગ વ્યાજ દર યથાવત રાખવામાં આવશે એવો મત વ્યક્ત કરતાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. યશ બેંક ૪૯ પૈસા ઘટીને રૂ.૨૨.૪૪, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૧.૩૦ ઘટીને રૂ.૮૪૭, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૪૦ ઘટીને રૂ.૯૭૩.૧૫ રહ્યા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૩.૭૫ વધીને રૂ.૨૧૪૭.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૬.૨૦ વધીને રૂ.૨૯૬.૦૫ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં જેએમ ફાઈનાન્શિયલ રૂ.૯.૩૦ વધીને રૂ.૧૫૪.૬૫, તમિલનાડુ મર્કન્ટાઈલ રૂ.૨૮.૯૦ વધીને રૂ.૫૩૬.૧૫, સિટી યુનિયન બેંક રૂ.૧૨.૪૫ વધીને રૂ.૨૮૩.૧૦, ટીવીએસ હોલ્ડિંગ રૂ.૭૧૩.૯૦ વધીને રૂ.૧૫,૦૮૯.૧૦, આઈઈએક્સ રૂ.૭.૩૫ વધીને રૂ.૧૪૬.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૮.૫૫ પોઈન્ટ ઘટીને ૬૬૮૬૭.૬૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં પસંદગીનું આકર્ષણ : એડીએસએલ, ઈન્નોવા, સિએન્ટ, એફલે, ડિ-લિન્ક, એચસીએલ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એડીએસએલ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૧૭૦.૬૦, ઈન્નોવા રૂ.૧૭.૨૦ વધીને રૂ.૪૭૭.૩૫, સિએન્ટ રૂ.૪૦.૦૫ વધીને રૂ.૧૧૬૨.૪૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૩૭.૮૫ વધીને રૂ.૧૨૫૯.૯૫, એફલે રૂ.૩૪.૧૦ વધીને રૂ.૧૬૯૪.૩૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૫..૪૫ વધીને રૂ.૧૬૪૩.૨૦, ટેક મહિન્દ્રા રૂ.૧૧.૭૦ વધીને રૂ.૧૫૨૮.૫૫, એમ્ફેસીસ રૂ.૨૧ વધીને રૂ.૨૮૩૦.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૧.૪૭ પોઈન્ટ વધીને ૩૬૪૦૭.૦૧ બંધ રહ્યો હતો.
ડ્રોનાચાર્ય એરિયલ ઈન્નોવેશન સેબીના દંડાત્મક પગલાએ શેરમાં ૨૦ ટકાની ઓનલી સેલરની સર્કિટ
ડ્રોનાચાર્ય એરિયલ ઈન્નોવેશન કંપની અને તેના પ્રમોટર, મુખ્ય સલાહકારો સામે સેબીના પ્રતિબંધાત્મક પગલાને કારણે આજે શેરમાં ઓનલી સેલરની ૨૦ ટકાની ઊંધી સર્કિટ લાગી હતી. શેરનો ભાવ રૂ.૧૧.૩૪ તૂટીને રૂ.૪૫.૩૮ની નીચલી સર્કિટમાં રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની વ્યાપક વેચવાલી : ૨૧૯૭ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે વોલેટીલિટીના અંતે ઉછાળો ધોવાયા સાથે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો મંદીમાં આવ્યા હોય એમ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક નફારૂપી વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૧૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૬૦ અને ઘટનારની સંખ્યા ૨૧૯૭ રહી હતી.
FPIs/FIIની રૂ.૧૧૭૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૫૫૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૮૯૭૯.૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૧૫૦.૭૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૧૫૦.૭૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૫૫૮.૯૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૦૨૪.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૬૫.૭૨ કરોડની વેચવાલી કરી હતી.










