Patanjali Cow Ghee Failed Two Lab Tests: યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે કોર્ટના આદેશ પર ઘીના તમામ મુખ્ય જવાબદાર એકમો (કંપની, હોલસેલર અને રિટેલર) પર કુલ ₹1.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે, પતંજલિએ આ આદેશને ખામીવાળો અને કાયદા વિરુદ્ધ ગણાવીને પોતાનો બચાવ કર્યો છે.
પિથોરાગઢમાં ઘીના નમૂના નિષ્ફળ
આ સમગ્ર મામલો ઉત્તરાખંડના પિથોરાગઢનો છે, જ્યાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) કોર્ટે રાજ્ય અને કેન્દ્રીય પ્રયોગશાળામાં ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ પતંજલિ ઘીના નિર્માતા, હોલસેલર અને રિટેલર પર અનુક્રમે ₹1.25 લાખ અને ₹15,000નો દંડ ફટકાર્યો છે. પિથોરાગઢના સહાયક ખાદ્ય સુરક્ષા કમિશનર આર.કે. શર્માના જણાવ્યા અનુસાર ખાદ્ય સુરક્ષા અધિનિયમની કલમ 46/4 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 19 નવેમ્બરે આ ચુકાદો આપ્યો છે.
કલમ 46/4 હેઠળ કેસ દાખલ
ઘીના નમૂના ઑક્ટોબર 2020માં લેવામાં આવ્યા હતા, જે રુદ્રપુરની રાજ્ય ખાદ્ય પ્રયોગશાળામાં નિષ્ફળ ગયા હતા. વેપારીઓની વિનંતી પર સપ્ટેમ્બર 2021માં કેન્દ્ર સરકારની પ્રયોગશાળામાં કરાયેલા ટેસ્ટમાં પણ 2022માં નમૂના નિષ્ફળ જાહેર થયા હતા. આ પછી, 17 ફેબ્રુઆરી, 2022ના રોજ SDM કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો, જેનો નિર્ણય 19 નવેમ્બરે આવ્યો હતો.
પતંજલિએ ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલમાં અપીલ કરી
કોર્ટના આદેશ પર સ્પષ્ટતા આપતા પતંજલિ આયુર્વેદ લિમિટેડે જણાવ્યું કે, ‘આ આદેશ ઘણા કારણોસર કાયદાકીય દૃષ્ટિએ અમાન્ય છે. કંપનીએ મુખ્ય દલીલો રજૂ કરી કે…
1. ઘીના પરીક્ષણ માટેની રેફરલ લેબોરેટરી પાસે NABL (નેશનલ એક્રેડિટેશન બોર્ડ)ની માન્યતા નહોતી, તેથી તેનું ટેસ્ટિંગ માન્ય ગણી ન શકાય.
2. નમૂનાને અસફળ જાહેર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા પેરામીટર્સ તે સમયે લાગુ જ નહોતા, જે કાયદેસર રીતે ખોટું છે.
3. સૌથી મહત્ત્વનું, બીજી વખતનું ટેસ્ટિંગ સેમ્પલની એક્સપાયરી ડેટ વીતી ગયા પછી કરવામાં આવ્યું હતું, જે કાયદા મુજબ અમાન્ય ગણાય છે. કંપનીએ જણાવ્યું કે કોર્ટે આ તમામ મુખ્ય તર્કો પર વિચાર કર્યા વિના પ્રતિકૂળ આદેશ આપ્યો છે, જે યોગ્ય નથી. પતંજલિએ આ આદેશ વિરુદ્ધ ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવાની વાત કહી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ મામલે ટ્રિબ્યુનલમાં તેમના પક્ષમાં નિર્ણય આવશે.
RM Valueમાં નજીવો તફાવત
વધુમાં, પતંજલિએ સ્પષ્ટતા કરી કે કોર્ટના આ નિર્ણયમાં ક્યાંય પણ ઘીને ‘ઉપયોગ માટે હાનિકારક’ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ માત્ર RM Value (રેકર્ટ મેઇસલ વેલ્યુ)ના માપદંડથી નામ-માત્રનું અંતર જોવા મળ્યું છે. RM Value ઘીમાં volatile fatty acidનું સ્તર દર્શાવે છે, જે ઘીને ગરમ કરવાથી ઊડી જાય છે અને આ એક કુદરતી પ્રક્રિયા છે, જેનાથી ઘીની ગુણવત્તા પર અસર થતી નથી.
આ પણ વાંચો: મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ
કંપનીએ દલીલ કરી કે RM Valueનું માપદંડ પશુઓના આહાર અને આબોહવાને આધારે પ્રાદેશિક સ્તરે બદલાતું રહે છે, અને સરકારી નિયમનકારી સંસ્થા FSSAI પણ આ માપદંડને સમય સમય પર બદલતી રહે છે. પતંજલિ સમગ્ર દેશમાંથી કડક માપદંડો હેઠળ દૂધ અને ગાયનું ઘી એકત્ર કરીને રાષ્ટ્રીય સ્તરે વેચાણ કરે છે.











