![]()
અમદાવાદ, રવિવાર
૫૦૦, ૧૦૦૦ની ચલણી નોટો બંધ થયાના ૧૦ વર્ષ પછી પણ આ પ્રતિબંધિત જૂની નોટો વટાવવાનો વેપલો આયોજનબધ્ધ રીતે ધમધમી રહ્યો છે, હજુ પણ ૧૦થી ૧૫ ટકા કમિશનથી મેળવવા માટે હેરાફેરી થઇ રહી છે. જેમાં ખાસ કરીને સુરત અને મુંબઇના કેટલાક લોકો આવી લાખો રૃપિયાની નોટો વટાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તાજેતરમાં નરોડા પોલીસે પ્રતિબંધિત ૫૦૦ અને ૧૦૦૦ની ૯૦ લાખની જૂની નોટો સાથે બે આરોપીને પકડયા હતા. તેઓની પૂછપરછમાં સુરતના શખ્સે આંગડિયા મારફતે નોટો વટાવવા માટે અમદાવાદ મોકલી હતી. જો કે નોટોે સાથે આરોપીઓ પકડાઇ જતાં નોટા વટાવી શકતા આ ચેઇન તૂટી ગઇ હતી. આ પ્રકારે લવાતી નોટો રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની આશંકા છે. પણ અનેક કિસ્સા પછી પણ નેટવર્કના મુળ સુધી તપાસ પહોંચતી જ નથી.
ગુજરાતમાં વર્ષે કરોડો રૃપિયાની જૂની નોટો પકડાય છે તે રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની શંકાઃ નેટવર્કના મુળ સુધી તપાસ પહોંચતી જ નથી
પાંચ દિવસ પહેલા નરોડામાં ગેલેક્સી સિનેમા ચાર રસ્તાથી પોલીસે કૃષ્ણનગરના અનિલ રબારી અને પાટણના કુષ્ણપાલસિંહ સોઢાને પકડી પાડયા હતા તેમની કારમાંથી રૃા. ૯૦ લાખની કિંમતની ૫૦૦ની અને ૧૦૦૦ના દરની જૂની પ્રતિબંધીત નોટો મળી આવી હતી. જો કે પોલીસને થાપ આપીને લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના શખ્સો ભાગી ગયા હતા. પકડાયેલા આરોપીઓએ આ જૂની નોટો વિજાપુરના જિતેન્દ્રસિંહ રાઠોડ પાસેથી વટવા માટે લાવ્યા હતા. પરંતુ નોટો કોઇ લેતું ન હોવાથી પાછી આપવા જતા પહેલા પકડાઇ ગયા હતા પોલીસે વિજાપુરના જિતેન્દ્રસિંહની ધરપકડ કરતા તેને આ નોટો સુરતના અડાજણમાં ટેક્ષટાઇલનો વ્યવસાય કરતા જયભાઇ શાહના નામના વેપારીએ મોકલી હતી. પરંતુ આ નોટો આરોપીઓ વટવી શક્યા ન હતા જો કે સુરતનો આરોપી પકડાયા બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાસ થશે.
પોલીસ તપાસમાં જય શાહ વિજાપુરના જિતેન્દ્ર સિંહના સંપર્કમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ કોરોનાકાળ સમયે આવ્યો હતો તે સમયે જે તે સમયે રિઝર્વબેન્ક આવી જૂની નોટો લેતી હતી ત્યાં વટાવીને આરોપીઓ ૧૫ ટકા કમિશન મેળવતા હતા જો કે અત્યારે તાજેતરમાં સુરતના આરોપીએ ૯૦ લાખની નોટો ક્યાંથી લાવીને આપી હતી અને અમદાવાદમાં કોને કોને આપતા હતા તેનો ભેદ ફરાર આરોપીઓ પકડાયા બાદ ભેદ ઉકેલાશે. જો કે ૧૦ વર્ષમાં આવી જૂની કરોડેની નોટો પકડાઇ ચૂકી છે.
——
ગુજરાતમાં ૧૦ વર્ષથી પ્રતિબંધીત જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની હેરાફેરી
વર્ષ ૮-૧૧-૨૦૧૬થી ૫૦૦ અને ૧૦૦૦ની જુની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ૧૦ વર્ષ પછી પણ જુની ચલણી નોટોની હેરાફેરીનો ગોરખધંધો ચાલી રહ્યો છે. ગુજરાતમાં પકડાયેલાં મોટા જથ્થાના કિસ્સા આ મુજબ છે.
-માર્ચ-૨૦૨૬ઃ અમદાવાદ-નરોડાઃ ૮૯ લાખ
-ઓગસ્ટ-૨૦૨૫ઃ વડોદરાઃ ૭૮ લાખ
– મે-૨૦૨૫ઃ સાણંદ-બાવળા રોડ ૧.૯૦ કરોડ
– ફેબુ્રઆરી-૨૦૧૯ ઃ નવસારી ૩.૫૦ કરોડની નોટો
– માર્ચ-૨૦૧૭ ઃ ઉધના, સુરત ઃ ૪૨ લાખની ચલણી નોટો.










